Mumbai Fire: ધારાવીના અશોક મિલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

18 May, 2026 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: ધારાવીમાં સ્થિત અશોક મિલ કમ્પાઉન્ડમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી; અનેક ગોડાઉન આગના લપેટમાં આવી ગયા હતા; સદ્નસીબે આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી; મુંબઈ ફાયર બ્રિગેડે લીધા સાવચેતીના પગલાં

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ

મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં આવેલા ૯૦ ફીટ રોડ (90 ft Road) પર સ્થિત અશોક મિલ કમ્પાઉન્ડ (Ashok Mill Compound)માં રવિવારે મોડી રાત્રે એક ભીષણ આગ (Mumbai Fire) ફાટી નીકળી હતી, જેના કારણે ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ની ટીમે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. આગ ઝડપથી ફેલાઈ જતાં ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અશોક મિલ કમ્પાઉન્ડમાં રવિવારે મોડી રાત્રે લાગી આગ

મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુંબઈના ધારાવી વિસ્તારમાં આવેલા ૯૦ ફીટ રોડ પર લક્ષ્મી મેડિકલ (Laxmi Medical) નજીક અશોક મિલ કમ્પાઉન્ડમાં રવિવારે મોડી રાત્રે લેવલ-૨ ની ભીષણ આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, ૧૭ મેના રોજ રાત્રે ૧૦:૩૯ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી, જેના તુરંત બાદ ફાયર ફાઈટીંગ ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં રાત્રે ૧૧:૦૪ વાગ્યે આ આગને લેવલ-૧ ની શ્રેણીમાં જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં વહેલી સવારે લગભગ ૩:૦૦ વાગ્યે તેને લેવલ-૨ માં અપગ્રેડ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ માત્ર ગારમેન્ટ યુનિટ્સ (કપડાંના કારખાના) અને વીજ ઉપકરણો પૂરતી જ સીમિત રહી હતી. આ આગ ગ્રાઉન્ડ પ્લસ એક, ગ્રાઉન્ડ પ્લસ બે અને ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના સ્ટ્રક્ચર્સમાં આવેલા મલ્ટિપલ ગાળાઓ (દુકાનો/ગોડાઉન)ની અંદર રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક વાયરિંગ, વીજ ઉપકરણો, ગારમેન્ટ મશીનરી, લાકડાના ફર્નિચર, ટેબલ, ખુરશીઓ, તૈયાર કપડાં અને કાચા માલ સુધી મર્યાદિત હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગથી પ્રભાવિત થયેલો આ વિસ્તાર આશરે ૪૦ બાય ૭૦ ફૂટનો છે.

દુર્ઘટનામાં જાનહાનિ નહીં

વહેલી સવાર દરમિયાન ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના સતત પ્રયાસો કરવામાં આવ્યા હોવાની માહિતી મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ આપી હતી. જ્યારે હાલમાં પણ આગ ઓલવવાની અને કુલિંગ (ઠંડક આપવાની) કામગીરી ચાલી રહી છે.

તાજેતરના અહેવાલો મળ્યા ત્યાં સુધી આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાના સમાચાર નથી.

થાણેમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના

અન્ય એક ઘટનામાં, રવિવારે વહેલી સવારે થાણે (Thane) પશ્ચિમમાં ઘોડબંદર રોડ (Ghodbunder Road) પર આવેલા પાટલીપાડા સર્વિસ રોડ (Patlipada Service Road) પાસે મહાવિતરણના એક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation - TMC)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર, કોપરી ફાયર સ્ટેશન (Kopri Fire Station) દ્વારા રવિવારે મધ્યરાત્રિએ આશરે ૧૨:૧૦ વાગ્યે આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

આ આગ વ્યસ્ત ગણાતા પાટલીપાડા સર્વિસ રોડ વિસ્તારમાં આવેલા મહાવિતરણના ટ્રાન્સફોર્મરમાં લાગી હતી. આગ અંગેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યૂ વ્હીકલ (બચાવ વાહન) સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે મહાવિતરણના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કટોકટીના કર્મચારીઓ સાથે મળીને કામગીરી કરી હતી.

ફાયર ફાઇટરોએ તાત્કાલિક પગલાં લઈને રાત્રે લગભગ ૧૨:૩૦ વાગ્યા સુધીમાં આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગને વધુ ફેલાતી અને આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થતી અટકાવી શકાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

fire incident mumbai fire brigade dharavi mumbai mumbai news brihanmumbai municipal corporation thane thane municipal corporation ghodbunder road