08 November, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુનિટમાં કાપડ અને જ્વલનશીલ કેમિકલના મોટા જથ્થાને લીધે આગ બેકાબૂ બની હતી
શુક્રવારે સવારે ભિવંડીના સરાવલી સ્થિત MIDCમાં ખત્રી ડાઇંગ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ યુનિટમાં કાપડ અને કેમિકલનો મોટો જથ્થો હોવાને કારણે થોડા જ સમયમાં આગ વિકરાળ બની ગઈ હતી. સવારે ૯.૨૪ વાગ્યે લાગેલી આગમાં જોતજોતાંમાં ગ્રાઉન્ડ પ્લસ ૩ માળના ઉપરના બન્ને માળ આગની લપેટમાં આવી ગયા હતા. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા જેને લીધે કામદારો અને નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
ડાઇંગની ફૅક્ટરી હોવાને કારણે મોટા પ્રમાણમાં કાપડ અને રસાયણોનો જથ્થો હોવાથી આગ બેકાબૂ બની હતી. ભિવંડી ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી; પરંતુ આગ વધુ તીવ્ર બનતાં કલ્યાણ, ઉલ્હાસનગર અને થાણે મ્યુનિસિપલ ફાયર-વિભાગ પાસેથી વધારાની મદદ મગાવવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ કંપનીને ભારે નુકસાન થયું હતું. લાખો રૂપિયાનું રંગીન કાપડ, કેમિકલ અને મશીનરીઓ બળીને ખાખ થઈ ગયાં હતાં.
આગ બુઝાવવામાં અનેક અડચણ આવી
સલામતીના પગલા તરીકે સમગ્ર MIDC વિસ્તારનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. આગ બુઝાવવાની કામગીરી માટે પાણીની ભારે અછત પણ સર્જાઈ હતી. MIDCની લોકલ ફાયર સેફ્ટી સિસ્ટમ ઇમર્જન્સી દરમ્યાન કાર્યરત થઈ શકી નહીં. અધિકારીઓએ ખુલાસો કર્યો કે ઇલેક્ટ્રિસિટી બંધ થયા પછી જનરેટર દ્વારા કોઈ બૅક-અપ પાવરની વ્યવસ્થા નહોતી. આગને કાબૂમાં લેવા માટે દસથી વધુ ફાયર-એન્જિન તહેનાત કરવામાં આવ્યાં હતાં. ફાયરના જવાનો કલાકો સુધી ગાઢ ધુમાડા અને આગની ઊંચી જ્વાળાઓને બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગરમી અને જ્વલનશીલ રસાયણોને કારણે પરિસરમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની રહ્યો હતો. બપોર પછી આગને કાબૂમાં લઈને કૂલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.