Mumbai Fire: વર્લીના શોરૂમમાં આગ લાગી; એક ફાયર ફાઇટર ઘાયલ

24 May, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: શુક્રવારે વહેલી સવારે મુંબઈ ના વરલી વિસ્તારમાં એક શોરૂમમાં આગ લાગી હતી; એક ફાયર ફાઇટરને નજીવી ઈજા થઈ હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજે વહેલી સવારે મુંબઈ (Mumbai)ના વરલી (Worli) સ્થિત એક શોરૂમમાં ભયાનક આગ લાગી હતી. જેમાં મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade - MFB)ના એક અધિકારીને ઈજા થઇ છે. શોરુમમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)એ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે મુંબઈ ના વરલી વિસ્તારમાં એક શોરૂમમાં આગ (Mumbai Fire) લાગી હતી.

BMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. ઈ. મોસેસ રોડ પર, ભારત બજાર, ગાંધી નગરની અંદર સ્થિત માર્શલ શોરૂમમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade - MFB)ને સવારે લગભગ ૪.૪૬ વાગ્યે કરવામાં આવી હતી.

મુંબઈ ફાયર બ્રિગેડે પુષ્ટિ આપી છે કે, આજે સવારે ૪.૫૫ વાગ્યે વર્લીના શોરુમમાં લાગેલી આ આગને લેવલ-I ની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. સવારે ૭.૧૨ વાગ્યા સુધીમાં આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ હતી.

આ આગ મુખ્યત્વે વરલી શોરૂમના ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશન સુધી જ મર્યાદિત હતી. જેમાં કાગળના બંડલ, કાર્ટન, ગિફ્ટ બોક્સ, મેકઅપ એસેસરીઝ, પ્રિન્ટેડ મેટર, સ્ટેશનરી સ્ટોક, કપડાં, કમ્પ્યુટર, લોખંડના રેક, લાકડાના દરવાજા, છત પર એક એસી યુનિટ અને મેઝેનાઇન ફ્લોર પર સંગ્રહિત ટીવીએસ મોટરસાઇકલ સહિત વિવિધ સંગ્રહિત સામગ્રીનો સમાવેશ થતો હતો.

જ્યાં આગ લાગી હતી તે શોરુમ આશરે ૯૦૦ ચોરસ ફૂટનો છે. આ વિસ્તાર ગ્રાઉન્ડ-પ્લસ-વન-ફ્લોર હતો, જેમાં એસી શીટ છત હતી અને મુખ્યત્વે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી હતી.

વર્લીના શોરૂમમાં લાગેલી આગ બુજવવાની કામગીરી દરમિયાન એક ફાયર ફાઇટર, લીડિંગ ફાયરમેન અજિન્દ્ર ગણપત સાવંત (Ajindra Ganpat Sawant)ને જમણા હાથમાં નાની ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નાયર હોસ્પિટલ (Nair Hospital)માં લઈ જવામાં આવ્યા હતા.

શોરુમમાં આગ લાગવાનું કારણ હાલમાં તપાસ હેઠળ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

વિધાન ભવન સુરક્ષા ચેક ગેટ પર આગ લાગી

આ અઠવાડિયે સોમવારે બપોરે દક્ષિણ મુંબઈમાં આવેલા વિધાન ભવન (Vidhan Bhavan) પરિસરના પ્રવેશ સુરક્ષા ચેક કેબિનમાં આગ લાગી હતી, જોકે બાદમાં આ આગ કાબુમાં આવી ગઈ હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર (Rahul Narvekar)એ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, આગ થોડા સમયમાં જ કાબુમાં આવી ગઈ હતી. રાહુલ નાર્વેકરના જણાવ્યા મુજબ, આગનું કારણ સુરક્ષા ચેક પર સ્થાપિત સ્કેનિંગ મશીનમાં શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિધાન ભવન સુરક્ષા ચેક ગેટ પર લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

fire incident worli mumbai fire brigade brihanmumbai municipal corporation mumbai mumbai news