Mumbai Fire: બે જણનો જીવ લીધો ને ૬ને જખમી કર્યાં વિલેપાર્લેની શાંતાભુવનમાં લાગેલી આગે

12 August, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: અઢી વર્ષના બાળકનું અને ૨૩ વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ સાથે જ આગ ઓલવવાની કામગીરી કરવા માટે ગયેલા બે ફાયર બ્રિગેડના જવાનો સહિત છ લોકોને ઈજાઓ થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના વિલેપાર્લે વેસ્ટ એરિયામાંથી આગ લાગવાની ઘટના (Mumbai Fire) બની હતી. ગઈકાલે મોડી રાત્રે ચર્ચ રોડ પાસે આવેલી ૧૨ ફ્લોરની શાંતાભુવનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેમાં અઢી વર્ષના બાળકનું અને ૨૩ વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ સાથે જ આગ ઓલવવાની કામગીરી કરવા માટે ગયેલા બે ફાયર બ્રિગેડના જવાનો સહિત છ લોકોને ઈજાઓ થઈ છે.

બે ફ્લેટ્સ આગની લપેટમાં

રિપોર્ટ્સ અનુસાર મુંબઈ ફાયર બ્રિગેડને રાત્રે આશરે ૧૦.૦૨ વાગ્યે શાંતાભુવનમાં આગ લાગી (Mumbai Fire) હોવાની માહિતી આપવામાં આવી હતી. મહિતી મળતાંની સાથે તરત જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો આગ ખોબ જ વકરી ગઈ હતી. શાંતાભુવનમાં અગિયારમા માળે આવેલા ફ્લેટ નંબર ૧૧૦૧ અને ૧૧૦૨ને અગનજ્વાળાઓએ પોતાની લપેટમાં લઇ લીધાં હતા. 

આ આગમાં બંને ફ્લેટ્સના ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, એસી યુનિટ (AC Units), સોફા, પલંગ, ફોલ્સ સીલિંગ અને કિચનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહમત ઉઠાવીને અગિયારમા માળેથી બે મહિલાઓ, એક પુરુષ અને એક બાળક સહિત ચાર લોકોને સેફલી બહાર કાઢ્યા હતા. 

આગને કાબૂમાં લાવતાં લાવતાં ફાયર બ્રિગેડને લગભગ સાડા બાર વાગી ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની (Mumbai Fire) સાથોસાથ પોલીસ, સ્થાનિક ઇલેક્ટ્રિસિટી કંપની, એમ્બ્યુલન્સ અને બીએમસી વોર્ડના કર્મચારીઓએ પણ ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

આગના આ હાદસામાં આઠ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં છ લોકોને નાણાવટી હોસ્પિટલ અને ૨ લોકોને કૂપર હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેમની હેલ્થકન્ડિશન અંગે વાત કરીએ તો નાણાવટી હૉસ્પિટલના સીએમઓ ડૉ. મુગ્ધાએ જણાવ્યું હતું કે અહીં એડમિટ કરવામાં આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર દર્દીઓની હાલત સ્થિર છે. કૂપર હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે અહીં એડમિટ કરાયેલા બે ઇજાગ્રસ્તો એટલે કે ફાયરમેન મનોજ સોનાવણે અને શિવમ દ્વિવેદી બંનેને સારવાર આપ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. દ્વિવેદીને માઇનર ઈજાઓ થઈ હતી. અન્ય ચાર ઈજાગ્રસ્તોની ઓળખ ૩૨ વર્ષીય પાર્થ, ૬૪ વર્ષીય હીરેન, ૩૩ વર્ષીય યશસ્વી અને અભિષેક તરીકે થઈ છે. પાર્થ અને હીરેનની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે યશસ્વી અને અભિષેકને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આખરે શાંતાભુવનમાં આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. મહાનગરપાલિકા (Mumbai Fire) અને પોલીસ તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

 

mumbai news mumbai vile parle fire incident mumbai fire brigade mumbai police brihanmumbai municipal corporation