લાલબાગચા રાજાના દર્શનાર્થે જનારાઓએ સાચવવા જેવું: ઈન્દોરના ૨ જણની ધરપકડ કરી પોલીસે

17 September, 2026 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Ganeshotsav: ૧૪ સપ્ટેમ્બરે ગણપતિના દર્શન માટે લાગેલી લાઈનમાં ઊભા રહેલા કેટલાક શ્રદ્ધાળુઓના સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફાઇલ તસવીર

Mumbai Ganeshotsav: મુંબઈમાં જાણીતા ગણેશ પંડાળોમાં દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને ગણેશ ગલીના મુંબઈચા રાજા અને લાલબાગચા રાજાના દર્શન કરવા જતાં લોકોએ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. કેમકે દર્શન માટે ઊમટતી શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરુઓ એક્ટિવ થયા હોવાના અહેવાલ મળ્યા છે.  ૧૪ સપ્ટેમ્બરે ગણપતિના દર્શન માટે લાગેલી લાઈનમાં ઊભા રહેલા કેટલાક શ્રદ્ધાળુઓના સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કાલાચોકી પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોરના બે યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ પ્રમાણે ગત ૧૪ સપ્ટેમ્બરે બપોરની વેળાએ મલાડના સિક્યુરિટી ગાર્ડ માઈકલ બાબલુ નાદર ગણેશદર્શન (Mumbai Ganeshotsav) માટે લાઈનમાં ઊભા હતા. તે સમયે આ તકનો લાભ લઈને બે અજાણ્યા શખ્સોએ આવીને તેમના ખિસ્સામાંથી ₹૨૫,૦૦૦નો મોબાઈલ અને ₹૨,૩૦૦ રોકડા લૂંટી લીધા હતા. પોતાની મત્તા ચોરાઇ હોવાની માઈકલને ખબર પડતાં જ તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે ચોરોએ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને ચોરોને દર્શનાર્થીઓએ દોડીને પકડી પાડ્યા હતા. ત્યારબાદ પેટ્રોલિંગ કરી રહેલી કાલાચોકી પોલીસની ટીમે બંનેને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે જણાવ્યું કે આરીફ સક્સેનસિંગ ગુજ્જર અને સોમનાથ સમનસિંગ રાઠોડ નામના બે શકમંદોને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ ઈન્દોરના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર લાલબાગના સ્થાનિક રહેવાસી રહીશ વર્ષા વિશ્વનાથ ફોપલે સવારે ૧૧ વાગ્યાના સુમારે ડૉ. બી.એ. રોડ પર કુંબલ મસાલા પાસે ગણેશદર્શન માટે લાઈનમાં ઊભા હતા ત્યારે તેમની ૭૦ હજાર રૂપિયાની કિંમતની ૧૦ ગ્રામ સોનાની ચેઇન આંચકી લેવામાં આવી હતી. તે ઉપરાંત એક અન્ય કિસ્સાની વાત કરીએ તો સાયન-કોળીવાડામાં રહેતા ધનંજય વિષ્ણુ બલસરફ પણ ત્યારે જ દર્શન માટે લાઈનમાં વેઈટ કરી રહ્યા હતા ત્યારે (Mumbai Ganeshotsav) તેમની આશરે ₹૯૦,૦૦૦ ની કિંમતની ૧૩ ગ્રામની ગોલ્ડ ચેઇન ચોરાઇ ગઈ હતી.

કાલાચોકી પોલીસે તમામ પીડિતોની ફરિયાદો નોંધી છે, હાલમાં પોલીસ પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ટોળકી અન્ય ચોરીઓના કેસમાં પણ સામેલ છે કે કેમ અને તેમની સાથે આ કાવતરામાં બીજું કોણ કોણ સામેલ છે. ગણેશદર્શન માટે જતાં લોકોને પોલીસે અપીલ કરી છે કે વધતી ભીડને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓને પોતાના દાગીના, વોલેટ અને મોબાઈલને ખાસ સાચવવા, બને ત્યાં સુધી ન લઈ જવા.

ગણેશગલીમાં પણ ગણેશભક્તોની સાથે ચોરીના કિસ્સા

ગણેશ ગલીમાંથી (Mumbai Ganeshotsav) પણ ચોરીના મામલા સામે આવ્યા છે. માટુંગા ઈસ્ટમાં રહેતાં આરતી અશોક કાવળે જ્યારે સાંજે ૭:૨૦ વાગ્યાની આસપાસ ગણેશગલી ખાતે મુંબઈચા રાજાના દર્શન માટે ગયા હતા. ત્યારે ગરુડ પ્રતિમા પાસેના મુખ્ય દરવાજા પાસે ભીડમાં તેમની ₹૨ લાખની કિંમતની ૨૫ ગ્રામની ગોલ્ડની ચેઇન ચોરાઈ ગઈ હતી.

 

mumbai news mumbai lalbaugcha raja ganpati Crime News mumbai crime news mumbai police