કૅન્સરના દરદી દર્શાવીને રેલવેમાં રાહત અપાવતી ટોળકી પકડાઈ

08 May, 2026 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાતા મેમોરિયલ સેન્ટરના નકલી લેટરહેડ, સ્ટૅમ્પ અને સહીનો ઉપયોગ કરીને થતી હતી છેતરપિંડી, મુસાફરો પાસેથી લેવાતા હતા વધુ પૈસા

પ્રતીકાત્મક તસવીર

કૅન્સરના દરદી હોવાનું ખોટું નાટક રચીને રેલવેની ટિકિટમાં સવલત મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને નવી મુંબઈની ખારઘર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ટિકિટ-એજન્ટોની એક ટોળીએ ખારઘરની તાતા મેમોરિયલ સેન્ટરના નકલી લેટરહેડ, સિક્કા અને અધિકારીઓની બોગસ સહી ધરાવતાં પ્રમાણપત્રો તૈયાર કર્યાં હતાં. આ ટોળી સામાન્ય મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલી તેમને કૅન્સરના દરદી તરીકે દર્શાવીને રેલવેમાં મળતી વિશેષ રાહત અપાવતી હતી, જેનાથી રેલવે પ્રશાસન અને સરકારને આર્થિક નુકસાન થયું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ખારઘર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ મિડ-ડેને કહ્યું હતું કે ‘૩૦ એપ્રિલે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં બાંદરા ટર્મિનસથી અંબાલા કૅન્ટની મુસાફરી કરી રહેલા બે મુસાફરો પાસે કૅન્સરનાં પ્રમાણપત્રો મળી આવ્યાં હતાં. રેલવે કર્મચારીની સતર્કતાને કારણે તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું કે આ મુસાફરો કૅન્સરથી પીડાતા નહોતા અને તેમનાં પ્રમાણપત્રો તદ્દન નકલી હતાં. ત્યારે આ મામલો પ્રકાશમાં આવતાં રેલવે પોલીસ દ્વારા આ ઘટનાની જાણ ખારઘરના તાતા મેમોરિયલ સેન્ટરને કરવામાં આવી હતી આ કેસમાં ખારઘરના તાતા મેમોરિયલ સેન્ટરનાં 
પ્રતિનિધિ અનુરાધા પાટીલે આપેલી ફરિયાદ અનુસાર અમે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને આ ટોળી મુસાફરોનો સંપર્ક કેવી રીતે કરતી હતી એની તપાસ ચાલી રહી છે.’

mumbai news mumbai cancer tata memorial hospital Crime News mumbai crime news mumbai police kharghar