30 September, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદ પડતાં જ ભારે ઉકળાટથી રાહત મળતાં મુંબઈગરાએ મનભરીને વરસાદની મોજ માણી હતી. તસવીર: સૈયદ સમીર અબેદી
મુંબઈમાં ગરમી અને ભેજવાળા દિવસ બાદ ગઈ કાલે સાંજે મુલુંડ, કુર્લા, બાંદરા અને અંધેરી સહિતના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયાં હતાં. થાણેમાં પણ વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સાંજે ૭ વાગ્યે મુંબઈ માટે ‘નાઓકાસ્ટ’ (તાત્કાલિક હવામાનની આગાહી) ચેતવણી જાહેર કરવામાં આવી હતી જેમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું, હળવો વરસાદ અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ ચેતવણી ૩ કલાક માટે અમલમાં હતી. વરસાદને કારણે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં; પાણી ભરાવાને કારણે અંધેરી ઈસ્ટ-વેસ્ટ સબવે કામચલાઉ ધોરણે બંધ કરવો પડ્યો હતો.
હવામાન ખાતા દ્વારા કહેવાયું છે કે મૉન્સૂન વિથડ્રૉઅલની શરૂઆત થઈ ગઈ છે અને રાજસ્થાનમાંથી ૧૭ સપ્ટેમ્બરે જ વિદાય થઈ ચૂક્યું છે. હવે મુંબઈમાંથી એ વીક-એન્ડ બાદ પાંચ ઑક્ટોબરે વિદાય લે એવી વકી છે. જો એવું થયું તો ૨૪ વર્ષનો રેકૉર્ડ તૂટશે. છેલ્લે ૨૦૦૨માં ૩૦ સપ્ટેમ્બરે મૉન્સૂને મુંબઈમાંથી વિદાય લીધી હતી.