વૉટ્સઍપ પરના વિડિયો-કૉલમાં અજાણી નગ્ન યુવતી સામે અશ્લીલ હરકતો કરવાનું ભારે પડ્યું ગુજરાતી CAને

10 December, 2025 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું રેકૉર્ડિંગ કરી લેવામાં આવ્યું અને પછી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ૨,૦૯,૭૫૩ પડાવી લેવાયા

પ્રતીકાત્મક તસવીર

ગામદેવીના ભૂરાભાઈ દેસાઈ રોડ પર રહેતા ૨૫ વર્ષના ગુજરાતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)નો પ્રાઇવેટ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને સાઇબર ગઠિયાઓએ ૨,૦૯,૭૫૩ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ગામદેવી પોલીસે સોમવારે ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોશ્યલ મીડિયાની એક જાણીતી ડેટિંગ ઍપ પર કાની નામની યુવતીએ યુવકને ફ્રેન્ડ-રિક્વેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતા કરી હતી. પછીથી વૉટ્સઍપ વિડિયો-કૉલમાં અભદ્ર વર્તન કરવા યુવકને ઉશ્કેર્યો ત્યારનો વિડિયો યુવતીએ પોતાના ફોનમાં સાચવીને એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેવાની ધમકી આપીને પૈસા અને ઍમેઝૉન-મિન્ત્રાની કૂપન પડાવી લીધી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા લોકો સાથેના વિડિયો-કૉલ વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે.

તેનું રેકૉર્ડિંગ કરી લેવામાં આવ્યું અને પછી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ૨,૦૯,૭૫૩ પડાવી લેવાયા

શું હતો ઘટનાક્રમ?
સોશ્યલ મીડિયાની ટિન્ડર ઍપ્લિકેશન પર બીજી ડિસેમ્બરે યુવકને કાની નામની યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ મળી હતી. ત્યાર બાદ બન્ને એકબીજા સાથે વાત કરતાં થયાં હતાં. બે દિવસમાં બન્નેએ વૉટ્સઍપ નંબર પણ શૅર કર્યા હતા.

૬ ડિસેમ્બરે રાતે બન્ને વૉટ્સઍપ પર વાત કરી રહ્યાં હતાં ત્યારે યુવતીએ વિડિયો-કૉલમાં વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં યુવકે વિડિયો-કૉલ કર્યો હતો જેમાં નગ્ન યુવતીએ યુવક સાથે સેક્સ-સંવાદ શરૂ કરી વિડિયો-કૉલમાં હસ્તમૈથુન કરવા કહ્યું હતું. એ ઉપરાંત જીભ બહાર કાઢીને અભદ્ર વર્તન કરવા માટે પણ ઉશ્કેર્યો હતો.

લાંબા સમય સુધી ચાલેલા વિડિયો-કૉલમાં યુવતી પર શંકા જતાં યુવકે વિડિયો-કૉલ કાપી નાખ્યો હતો. થોડી વારમાં યુવતીના નંબર પરથી અન્ય પુરુષે યુવકને‍ ફોન કરીને ઍમેઝૉન અને મિન્ત્રાનાં ૧૦,૦૦૦ રૂપિયાનાં ૮ વાઉચર આપવાનું કહ્યું હતું, પણ એનો ઇનકાર કરતાં યુવતી સાથેના વિડિયો-કૉલનો સ્ક્રીન-શૉટ મોકલીને એને વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી એટલે યુવકે ગભરાઈને વાઉચર ખરીદીને એ પુરુષને મોકલી આપ્યાં હતાં.

ત્યાર બાદ સતત વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને ગૂગલપે મારફત બીજા ૧,૨૯,૭૫૩ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અંતે કંટાળીને યુવકે ઘટનાની પોલીસે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે પોલીસ ઍમેઝૉન અને મિન્ત્રાનાં વાઉચર ક્યાં વાપરવામાં આવ્યાં હતાં એની તપાસ કરી રહી છે. એ ઉપરાંત ગૂગલપે મારફત ગયેલા પૈસા વિશે તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai cyber crime Crime News mumbai police