મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં હવે આ તારીખ સુધી સહભાગી થઈ શકશો

03 December, 2021 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે સ્પર્ધામાં સહભાગી થવા માટેની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧.

મુંબઈ ગુજરાતી સંગઠનનો લોગો - ફોટો સૌજન્ય મુંબઈ ગુજરાતી સંગઠન

મહારાષ્ટ્રમાં માતૃભાષા ગુજરાતીની શાળો માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વિવિધ પાંચ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. સ્પર્ધાનું રજિસ્ટ્રેશન કવિ નર્મદની જન્મજયંતી એટલે કે 24 ઑગસ્ટ 2021થી શરૂ કરવામાં આવ્યું હતું. સ્પર્ધકો હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી આ સ્પર્ધાઓમાં સહભાગી થઈ શકે છે.

પાંચ સ્પર્ધાઓ

૧. સંસ્કૃત શ્લોક ગાન/પઠન

આ સ્પર્ધામાં સ્પર્ધકે પોતાના શ્લોક સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વિડિયો ફોર્મેટમાં મોકલવાના રહેશે. કૃતિ એકાકી/સમૂહમાં તૈયાર કરી મોકલી શકાય છે. સમય મર્યાદા 3-૫ મિનિટની રહેશે.

૨. ચિત્ર બોલે છે!

સ્પર્ધકે ‘મારા સપનાની શાળા’ અથવા ‘મને શું થવું ગમે’ આ બે પૈકી એક વિષય પર પેન્સિલ સ્કેચ બનાવવાનો રહેશે. સ્પર્ધકે પોતાના સ્કેચની સમજણ વિડિયો દ્વારા પ્રસ્તુત કરવાની રહેશે. સમય મર્યાદા 3-૫ મિનિટની રહેશે.

3. સ્વનિર્મિત વાદ્ય વૃંદ રચના

આ સ્પર્ધામાં સ્પર્ધકે ફરજિયાત કોઈ પણ વસ્તુ અથવા શરીરનાં અંગ દ્વારા સંગીત વગાડવાનું રહેશે. સ્પર્ધક કોઈપણ ગુજરાતી ગીતની ધૂન પર સંગીત વગાડી શકે છે. સમય મર્યાદા 3-૫ મિનિટની રહેશે.

૪. સ્વરચિત હાસ્યની ફુલઝર

આ સ્પર્ધામાં સ્પર્ધકે બોધપાઠ સાથે રમૂજી વિડિયો દ્વારા હાસ્યની ફુલઝર પ્રગટાવવાની રહેશે. સમય મર્યાદા ૪-૫ મિનિટની રહેશે.

૫. વક્તૃત્વ

સ્પર્ધકે ‘જો હું ટ્રસ્ટી/આચાર્ય/સરકારી નીતિ ઘડનાર હોવ તો શાળાઓને આ દશામાંથી બહાર લાવવાં શું કરું?’ આ વિષય પર પોતાના વિચારો રજૂ કરવાના રહેશે. સમય મર્યાદા ૩-૪ મિનિટની રહેશે.

આ સ્પર્ધામાં દરેક વય જૂથના લોકો દુનિયાના કોઇપણ ખૂણેથી સહભાગી થઈ શકે છે. આ સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન ઓનલાઈન થશે. સ્પર્ધામાં વિજેતાને આકર્ષક ઈનામ સહિત દરેક સ્પર્ધકને ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધાની તમામ વિગતો, નિયમાવલી અને રજિસ્ટ્રેશનની લિન્ક સંગઠનની વેબસાઇટ www.mumbaigujarati.org પર ઉપલબ્ધ છે.

આ સંદર્ભે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ સ્પર્ધાઓના આયોજન પાછળ મુખ્ય ધ્યેય એ છે કે લોકો માતૃભાષાની શાળાઓ માટે આત્મમંથન કરે અને નવા સૂચનો મળે. દરેક વ્યક્તિ સ્પર્ધાના માધ્યમે ‘આપણી માતૃભાષા, આપણી જવાબદારી’ના સૂત્ર સાથે માતૃભાષાની શાળાઓ વિશે વિચાર કરે.”

ઉલ્લેખનીય છે કે સ્પર્ધાની અંતિમ તારીખ વધારવા બાબતે ભાવેશ મહેતાએ જણાવ્યું કે "અગાઉ શાળાઓ બંધ હોવાથી શિક્ષકોને વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્પર્ધાની તૈયારીઓ કરાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. હવે આંશિક રૂપે જ્યારે શાળાઓ શરૂ થઈ છે, તેવામાં બાળકો અને શિક્ષકોને સમય મળે તેથી ભાગ લેવાની તારીખ આગળ ધકેલવામાં આવી છે."

Mumbai Mumbai News