મુંબઈમાં ગરમી છે એના કરતાં ઘણી વધુ અનુભવાય છે

12 May, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ મંદિર ૩૯.૭ ડિગ્રીએ પહોંચ્યું, અકોલા ફરી ૪૫ ડિગ્રી પાર, પુણેમાં ૧૦ વર્ષનો સૌથી ગરમ દિવસ

ભરબપોરે મુંબઈમાં જાણે ૪૨ ડિગ્રી તાપમાન અનુભવાતું હોવાથી ટૂરિસ્ટ-પ્લેસ ગિરગામ ચોપાટી પણ જાણે સૂમસામ ભાસતી હતી. તસવીર : આ​​શિષ રાજે

કાળઝાળ ગરમીનો વાર સોમવારે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચાલુ રહ્યો હતો. વિદર્ભના ઘણા જિલ્લાઓમાં ઊંચું તાપમાન નોંધાયું હતું. અકોલા ફરી એક વાર ૪૫ ડિગ્રીને પાર થયું હતું અને રાજ્યનું હૉટેસ્ટ સિટી બન્યું હતું તો પુણેમાં ૨૦૧૬ પછી મે મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. મુંબઈમાં સોમવારે સરેરાશ એકંદર તાપમાન ૩૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં પણ ગરમી યથાવત્ રહી હતી. મુંબઈના રામ મંદિરમાં સૌથી વધુ તાપમાન ૩૯.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિક્રોલીમાં ૩૮.૫ ડિગ્રી સેલ્સિયસ, જ્યારે બાંદરામાં ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દહિસર અને વિદ્યાવિહારમાં અનુક્રમે ૩૭.૧ ડિગ્રી સેલ્સિયસ અને ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ભેજ સાથે તાપમાનમાં વધારો થવાથી લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. જેટલું તાપમાન હતું એના કરતાં પાંચ ડિગ્રી તાપમાન વધુ અનુભવાતું હોવાની ફરિયાદ મુંબઈગરાઓએ કરી હતી.

ગુજરાત-મહારાષ્ટ્રમાં હીટવેવ રહેશે, આંદામાનમાં ચોમાસું વહેલું આવશે

હવામાન ખાતાએ આગાહીમાં જણાવ્યું હતું કે મે મહિનામાં હિમાલયની તળેટીના કેટલાક ભાગો, ઈસ્ટર્ન રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ આવવાની 
શક્યતા છે. મે દરમ્યાન સમગ્ર દેશમાં સરેરાશ વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત ૧૪-૧૬ મેની આસપાસ થવાની ધારણા છે એટલે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે.

mumbai news mumbai dahisar vidyavihar Weather Update mumbai weather indian meteorological department