૧૯ એપ્રિલ સુધીમાં તો ગરમી તોબા પોકારાવશે

03 April, 2022 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચનો ૧૨૨ વર્ષનો ગરમીનો રેકૉર્ડ તૂટ્યો : સામાન્ય કરતાં ૬ ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું : આ અને આવતા મહિનામાં ગરમી દઝાડશે : હવામાન વિભાગે ચોમાસા સુધી વારંવાર પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી

ફાઇલ તસવીર

સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતથી લઈને જૂન મહિના દરમ્યાન મુંબઈ સહિત રાજ્યમાં તાપમાન વધુ રહે છે, પરંતુ આ વર્ષે તો માર્ચ મહિનામાં જ ગરમીના અગાઉના તમામ રેકૉર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગની માહિતી મુજબ ૧૨૨ વર્ષ પહેલાં માર્ચ મહિનામાં અત્યારે પડી રહી છે એટલી ગરમી અનુભવાઈ હતી. સામાન્ય કરતાં વધુ ૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી ચોમાસા સુધી હજી એકથી બે ડિગ્રી પારો ચડવાની શક્યતા છે. આથી મુંબઈ સહિત આસપાસના અને રાજ્યના અનેક વિસ્તારોમાં આ મહિનો અને મે મહિનામાં સૌથી વધુ ગરમી પડી શકે છે.

માર્ચ મહિનામાં મુંબઈ સહિત આસપાસ અને રાજ્યના અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયું છે, જે સન ૧૯૦૦ એટલે કે ૧૨૨ વર્ષ પહેલાં નોંધાયેલા તાપમાન કરતાં ૧.૮૬ ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાનું જણાયું છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તાપમાન ૩૫ ડિગ્રીથી થોડું વધુ રહે છે, પરંતુ હવામાન વિભાગના આંકડા મુજબ આ વર્ષે માર્ચ મહિનાના છેલ્લા ૧૦ દિવસમાં જ પારો ૩૯ ડિગ્રીથી ૪૦ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ૨૧ માર્ચે ૩૯ ડિગ્રી, ૨૨ માર્ચે ૩૪.૮ ડિગ્રી, ૨૩ માર્ચે ૩૮ ડિગ્રી, ૨૪ માર્ચે ૩૭.૩ ડિગ્રી, ૨૫ માર્ચે ૩૭.૫ ડિગ્રી, ૨૬ માર્ચે ૩૭.૬ ડિગ્રી, ૨૭ માર્ચે ૩૮ ડિગ્રી, ૨૮ માર્ચે ૩૯.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મુંબઈ અને આસપાસના વિસ્તારો સહિત રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં સરેરાશ ૩૯.૧ ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

વરસાદની ઘટ અને ગરમીમાં વધારો
ગયા વર્ષે ચોમાસામાં મહારાષ્ટ્રમાં વધારે વરસાદ નોંધાયો હતો. માર્ચ મહિનામાં અત્યાર સુધી દેશભરમાં ૮.૯ એમએમ વરસાદ નોંધાયો છે, જે ૧૯૬૧-૨૦૧૦ સમયગાળામાં ૩૦.૪ એમએમ હતો. આથી વરસાદમાં ઘટાડો થયો છે. આ પહેલાં માર્ચ ૧૯૦૯માં ૭.૨ એમએમ અને ૧૯૦૮માં ૮.૭ એમએમ જેટલો સૌથી ઓછો વરસાદ નોંધાયો હેતો. વરસાદની કમીને લીધે ગયા વર્ષે માર્ચ મહિનામાં ૩૨.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું ૧૧ વર્ષનું સૌથી વધુ હતું. વેધશાળાની માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં સરેરાશ ૩૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૬ ડિગ્રી વધુ છે.

મુંબઈમાં આકરો ઉનાળો
હવામાન વિભાગે ૧૯ એપ્રિલ સુધી ગરમી વધુ રહેવાની આગાહી કરી છે. જોકે આગામી ચોમાસા સુધી સામાન્યથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે એટલે ચારથી પાંચ વખત હીટ વેવ આવી શકે છે. માર્ચ મહિનામાં ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન સાંતાક્રુઝ વેધશાળામાં નોંધાયું હતું. આગામી દિવસોમાં આની આસપાસ એકથી વધુ વખત તાપમાન જઈ શકે છે. વેધશાળાના અધિકારીના કહેવા મુજબ જોકે આગામી દિવસોમાં કયા દિવસે કેટલી હીટ વેવ આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ ઉનાળામાં ગરમીમાં વધારો થશે એ નક્કી. મુંબઈમાં છેલ્લા ૪૮ કલાકમાં પારો ચારથી પાંચ ડિગ્રી ઊંચે ચડ્યો હોવાથી મુંબઈગરાઓ ભારે ગરમી અનુભવી રહ્યા છે.

mumbai mumbai news mumbai weather Weather Update