તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર થતાં મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા

12 March, 2025 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પણ આવી જ હાલત રહેવાની વેધશાળાએ કરી આગાહી: આજે પણ હવામાં ભેજ હોવાના કારણે બફારો રહેશે અને પારો પણ ગઈ કાલ જેટલો જ ૩૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. 

ગઈ કાલે મુંબઈમાં અસહ્ય ગરમી પડી હતી. ગરમીને લીધે ફોર્ટમાં રસ્તા પર લોકો આઇસક્રીમ ખાતા જોવા મળ્યા હતા. તસવીર: નિમેશ દવે

મુંબઈગરાઓ ગઈ કાલે બપોરે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. ગઈ કાલે હવામાન ખાતાની સાંતાક્રુઝ ઑબ્ઝર્વેટરીમાં પારો ૩૯.૨ પહોંચી જતાં હવામાન ખાતાએ આજે પણ મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગડમાં યલો અલર્ટ જાહેર કરી છે. મુંબઈમાં ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી જ પારો ઉપર જઈ રહ્યો છે. આજે પણ હવામાં ભેજ હોવાના કારણે બફારો રહેશે અને પારો પણ ગઈ કાલ જેટલો જ ૩૯ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. 

ગઈ કાલે બપોરે પવન ન હોવાથી સખત તાપના કારણે રસ્તા પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. જે મુંબઈગરાઓને બહાર નીકળ્યા વગર છૂટકો નહોતો તેઓ બની શકે એટલું છાંયડામાં ચાલવાનો પ્રયાસ કરતા હતા. એ ​ઉપરાંત મૉન્સૂન પહેલાં ઘણા બધા રસ્તાઓનું કૉન્ક્રીટીકરણ ચાલી રહ્યું હોવાથી ખોદકામ કરવામાં આવ્યું છે એથી ધૂળનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગરમીથી બચવા માટે ગાઇડલાઇન બહાર પાડીને કહ્યું છે કે ‘જો મહત્ત્વનું કામ ન હોય તો બપોરના સમયે ઘરેથી બહાર જવાનું ટાળવું. જો નીકળવું જ પડે એમ હોય તો ટોપી પહેરવી અથવા સાથે છત્રી રાખવી અને આંખોની રક્ષા માટે ગૉગલ્સ પહેરવા જણાવ્યું છે. સાથે જ ગરમીના કારણે શોષ ન પડે અને શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે એ માટે પાણી પીતા રહેવાની સલાહ આપવામાં આવી છે. નશીલા પદાર્થનું સેવન ન કરવું. કોલ્ડ ડ્રિન્ક પીવાનું ટાળવું. પાર્ક કરેલાં વાહનોમાં બાળકો અને પાળેલાં પશુઓને ન રાખવાં. જો અશક્તિ લાગતી હોય તો તરત જ ડૉક્ટરને બતાવવાની સલાહ BMCએ આપી છે.’

mumbai weather heat wave Weather Update mumbai news mumbai