24 November, 2025 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૬/૧૧ના આતંકી હુમલા વખતે ફ્રન્ટલાઇન પર રહીને લડનાર તત્કાલીન ઍડિશનલ કમિશનર સદાનંદ દાતેનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના એક પર્ફોર્મન્સમાં ટાઇગર શ્રોફ પણ જોડાયો હતો. તસવીરોઃ અતુલ કાંબળે
મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના હીરો અને પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે રાતે ગેટવે ઑફ ઇન્ડિયા પર યોજવામાં આવ્યો હતો. ‘ગ્લોબલ પીસ ઑનર્સ : રિમેમ્બરિંગ ધ હીરોઝ ઑફ 26/11 ઍન્ડ વિક્ટિમ્સ ઑફ પહલગામ અટૅક’ નામનો આ કાર્યક્રમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વાઇફ અમૃતા ફડણવીસની પહેલથી દિવ્યજ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે ઉપરાંત અંબાણી પરિવાર તથા બૉલીવુડની સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા. શાહરુખ ખાને આ સમારોહમાં હૃદયસ્પર્શી સ્પીચ આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહરુખ ખાને તેના ભાષણમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા પહલગામ આતંકવાદી હુમલા અને તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોને સ્મરણાંજલિ આપી હતી. દેવેન્દ્ર ફડણવીસની અગિયારમા ધોરણમાં ભણતી દીકરી દિવિજાએ આ સમારોહમાં ઍન્કરિંગ કર્યું હતું.
શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
૨૬/૧૧ એ ફક્ત તાજ અને ટ્રાઇડેન્ટ હોટેલ પરનો હુમલો નહોતો. ભારતની આર્થિક રાજધાની પરનો આ અટૅક દેશના સાર્વભૌમત્વ પર થયેલો હુમલો હતો.
૨૬/૧૧ પછી જો ઑપરેશન સિંદૂર જેવી હિંમત થઈ હોત તો કોઈએ ભારત પર હુમલો કરવાની હિંમત ન કરી હોત.
આ હુમલાને ૧૭ વર્ષ વીતી ગયાં હોવા છતાં આપણા હૃદયમાં હજી પણ એની પીડા છે.
આજે જ્યારે આપણે અહીં શહીદોનું અને હીરોઝનું સન્માન કરવા માટે ભેગા થયા છીએ ત્યારે એ વાત પણ યાદ રાખીએ કે આતંકવાદનો ડર હજી પણ છે. આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણે સૌએ એક થઈને એક ભાષામાં વાત કરવાની જરૂર છે. જો આપણે એક બનીશું તો આપણે સુરક્ષિત છીએ.
પાકિસ્તાન જાણે છે કે એ સીધા યુદ્ધમાં ભારતને હરાવી શકશે નહીં. એટલે જ એ લોકો બીજા રસ્તા અપનાવે છે અને એ જ કારણે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને દિલ્હીમાં તાજેતરમાં વિસ્ફોટ થયા.
શનિવારની ઇવેન્ટમાં વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ભારતીય ટીમનાં પ્લેયર્સ દીપ્તિ શર્મા અને રેણુકા ઠાકુરનું સન્માન નીતા અંબાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
હૃદયસ્પર્શી સ્પીચમાં શું બોલ્યો શાહરુખ ખાન? હું એ મમ્મીઓને સલામ કરું છું જેમણે આવા બહાદુર દીકરાઓને જન્મ આપ્યો. હું તેમના પપ્પાઓની લાગણીને પણ સલામ કરું છું. હું તેમના પાર્ટનરની હિંમતને સલામ કરું છું. જેઓ યુદ્ધના મેદાનમાં હતા તેઓ સૈનિકો હતા, પણ તમારે બધાએ પણ એ યુદ્ધ લડવાનું હતું જે તમે બહાદુરીથી લડ્યા.
ભારત ક્યારેય પડકારો સામે ઝૂક્યું નથી, કારણ કે ભારતની તાકાત યુનિટીમાં રહેલી છે.
કોઈ પણ આપણને રોકી શક્યું નથી, આપણને હરાવી શક્યું નથી, આપણી શાંતિ છીનવી શક્યું નથી કારણ કે જ્યાં સુધી દેશના સુપરહીરો, યુનિફૉર્મમાં સજ્જ આર્મ્ડ પર્સન્સ મજબૂત રીતે ઊભા હશે ત્યાં સુધી આપણા દેશમાં શાંતિ અને સુરક્ષા હંમેશાં રહેશે.
આખું વિશ્વ શાંતિ ઇચ્છે છે, કારણ કે શાંતિ વધુ સારા વિચારો અને ઇનોવેશન તરફ લઈ જાય છે.
બહેતર દુનિયા માટે શાંતિ જરૂરી છે. ચાલો આપણે બધા સાથે મળીને શાંતિ તરફ આગળ વધીએ. ચાલો આપણે જાતિ, સંપ્રદાય અને ભેદભાવથી ઉપર ઊઠીને માનવતાના માર્ગે ચાલીએ જેથી આપણા બહાદુર સૈનિકોનું બલિદાન વ્યર્થ ન જાય.
જો આપણી વચ્ચે શાંતિસૌહાર્દ હશે તો કોઈ પણ શક્તિ ભારતને નુકસાન પહોંચાડી શકશે નહીં, કોઈ ભારતને હરાવી શકશે નહીં અને કોઈ આપણો જુસ્સો તોડી શકશે નહીં.
સૈનિકો માટે શાહરુખનો સ્પેશ્યલ મેસેજ
સૈનિકોને જ્યારે કોઈ અલગ-અલગ સવાલો પૂછે ત્યારે તેઓ શું જવાબ આપી શકે એ વિશે શાહરુખે કહ્યું હતું કે...
જ્યારે કોઈ પૂછે કે તમે શું કરો છો...
તો છાતી ઠોકીને કહેવું કે હું દેશની
રક્ષા કરું છું
જો કોઈ પૂછે કે કેટલું કમાઓ છો...
તો હળવેથી સ્મિત કરીને કહેવું કે ૧૪૦ કરોડ લોકોની
દુઆઓ કમાઈ લઉં છું
અને જો કોઈ ફરી પૂછે કે તમને ક્યારેય ડર નથી લાગતો
તો આંખમાં આંખ નાખીને કહેવું કે ડર તેમને
લાગે છે, જે અમારા પર હુમલો કરે છે
શાહરુખની સેન્ટિમેન્ટલ એન્ટ્રી
ગઈ કાલની ઇવેન્ટમાં શાહરુખ ખાનની એન્ટ્રી પણ ખૂબ સેન્ટિમેન્ટલ રહી હતી. બન્ને હાથે બે ક્યુટ બાળકીઓનો હાથ પકડીને કિંગ ખાન સ્ટેજ પર આવ્યો હતો. એ જ સમયે બૅકગ્રાઉન્ડમાં સુંદર ડાન્સ રજૂ થઈ રહ્યો હતો. સ્ટેજની વચ્ચોવચ પહોંચીને શાહરુખ ખાન નીચે ઝૂક્યો હતો. એ સમયે બન્ને બાળકીઓએ શાહરુખના ગાલે પપ્પી કરી હતી. એ પછી બૉલીવુડના બાદશાહે બન્ને બાળકીને પ્રેમથી હગ કર્યું હતું અને એક મૅજિકલ મોમેન્ટ ક્રીએટ કરી હતી જે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.
રણવીર સિંહે કરાવ્યો સદાનંદ દાતેનો ઇમોશનલ પરિચય
શનિવારના કાર્યક્રમમાં શાહરુખ ખાન ઉપરાંત રણવીર સિંહ, સુનીલ શેટ્ટી, રજત બેદી, કરિશ્મા કપૂર, મનીષા કોઇરાલા, રકુલ પ્રીત સિંહ અને અનુ મલિક જેવી બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં રણવીર સિંહે પહલગામ અને ૨૬/૧૧ના ટેરરિસ્ટ અટૅકના પીડિતો અને તાજેતરના દિલ્હી કારબ્લાસ્ટના વિક્ટિમ્સને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે ભારતના સૈનિકોની હિંમત અને મનોબળને પણ સલામ કરી હતી. રણવીરે પણ દેશભક્તિને બિરદાવતી ઇમોશનલ સ્પીચ આપી હતી. ૨૬/૧૧ના હીરો સદાનંદ દાતેનો હૃદયસ્પર્શી પરિચય કરાવતાં રણવીરે કહ્યું હતું કે ‘જીવન કે પૈંતીસ સાલ ઇન્હોંને દેશ કો સમર્પિત કર દિએ હૈં. સદાનંદ દાતે મહારાષ્ટ્ર કી શાન હૈ.’