19 October, 2026 07:41 AM IST | Mumbai | Mehul Jethva
વિપુલ છાડવા
ઇન્ડોનેશિયાના બાલીમાં વેકેશન દરમ્યાન બનેલી કરુણ દુર્ઘટનામાં પરેલમાં રહેતા પંચાવન વર્ષના કચ્છી જૈન વેપારી વિપુલ છાડવાનું ગઈ કાલે સવારે ભારતીય સમય મુજબ ૯ વાગ્યે મૃત્યુ થયું હતું. બાલીના લૉમ્બૉક આઇલૅન્ડ પર અન્ડરવૉટર રાઇડ અને સ્નૉર્કલિંગ કરતી વખતે હાર્ટ-અટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું.
પત્ની પ્રવીણાબહેન અને મિત્ર દંપતી સાથે ૧૦ ઑક્ટોબરે બાલીના પ્રવાસે ગયેલા વિપુલભાઈ અન્ડરવૉટર રાઇડ માણી રહ્યા હતા ત્યારે અચાનક ફેફસાંમાં પાણી ભરાઈ જવાને કારણે શ્વાસ રૂંધાતાં મૅસિવ હાર્ટ-અટૅક આવવાથી સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું. તમામ સરકારી પ્રક્રિયાઓ અને પોસ્ટમૉર્ટમ પૂરું થયા બાદ તેમની અંતિમવિધિ બાલીમાં જ કરવામાં આવશે એવી માહિતી પરિવારના સભ્યો આપી છે.
વેકેશન માતમમાં ફેરવાયું
વિપુલ છાડવાના સાળા શાંતિભાઈ નંદુએ અત્યંત ભારે હૈયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિપુલભાઈ પત્ની પ્રવીણાબહેન, મિત્ર દીપેશભાઈ અને તેમનાં પત્ની સાથે ૧૦ ઑક્ટોબરે બાલી ફરવા ગયા હતા. ૨૧ ઑક્ટોબરે તેઓ મુંબઈ પાછા ફરવાના હતા, પરંતુ એ પહેલાં જ આ દુખદ ઘટનામાં તેમણે જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે સવારે ભારતીય સમય મુજબ સવારે આશરે ૯ વાગ્યે વિપુલભાઈ અને તેમનાં પત્ની બાલીના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રસિદ્ધ લૉમ્બૉક આઇલૅન્ડ પર સ્નૉર્કલિંગ અને અન્ડરવૉટર રાઇડનો આનંદ માણી રહ્યાં હતાં. એ રમણીય ક્ષણો વચ્ચે અચાનક રાઇડ દરમ્યાન ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી તેમનો શ્વાસ રૂંધાયો હતો, જેને કારણે તેમને સ્થળ પર જ તીવ્ર હાર્ટ-અટૅક આવ્યો હતો અને ક્ષણવારમાં જ વિપુલભાઈએ જીવ ગુમાવ્યો હતો.’
પરિવારનો આધારસ્તંભ ગયો
પોતાના પ્રેમાળ અને હસમુખા સ્વભાવથી સૌકોઈનાં દિલ જીતી લેનારા વિપુલભાઈ છેલ્લાં ૬ વર્ષથી નવી મુંબઈના કોપરખૈરણેમાં ફૂડ-પ્રોસેસિંગનો સફળ વ્યવસાય ચલાવતા હતા અને એ પહેલાં તેઓ કાપડના ક્ષેત્રે કાર્યરત હતા એમ જણાવીને શાંતિભાઈ નંદુએ કહ્યું હતું કે ‘સમાજમાં અને સગાંસંબંધીઓમાં તેઓ હંમેશાં મદદ કરવા માટે તત્પર રહેતા, સંબંધો સાચવતા અને વાસ્તુશાસ્ત્રના પણ જાણકાર હતા. ઘરના મુખ્ય આધારસ્તંભ સમાન પિતાએ આ રીતે અચાનક વિદાય લેવાથી હાલ અભ્યાસ કરી રહેલા ૨૩ વર્ષના પુત્ર જશ અને પત્ની પ્રવીણાબહેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.’
સરકારી ક્લિયરન્સ પછી બાલીમાં જ થશે અંતિમવિધિ
ઘટનાસ્થળ બાલી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી સાડાપાંચ કલાક દૂર છે એમ જણાવીને વિપુલ છાડવાના સાળા શાંતિભાઈ નંદુએ કહ્યું હતું કે ‘ઇન્ડોનેશિયાની સરકારના કાનૂની નિયમો અનુસાર મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે, જેનો રિપોર્ટ આવવામાં આશરે ૨૪ કલાક જેટલો સમય લાગશે. સરકારી તંત્ર અને એમ્બેસી તરફથી તમામ ક્લિયરન્સ મળ્યા બાદ ગઈ કાલે રાતની ફ્લાઇટ દ્વારા બાલી પહોંચેલા અત્યંત નજીકના પરિવારજનોની હાજરીમાં વિપુલભાઈના અંતિમ સંસ્કાર બાલીમાં જ કરવામાં આવશે. અંતિમવિધિની પ્રક્રિયા પૂરી થયા બાદ મુંબઈમાં પ્રાર્થનાસભાની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.’