પહલગામની ઘટના બાદ જૈન સમાજના વિવિધ સંઘોના વર્ષીતપના વરઘોડા અને ભોજનસમારંભ રદ

28 April, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ જ્યારે દુ:ખદ બનાવ બન્યો છે ત્યારે રથયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના જૈન સમાજ દ્વારા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને તેમના અન્ય કાર્યક્રમો પણ સાદાઈથી કરવામાં આવી રહ્યા છે. વરઘોડા અને જમણવાર રદ કરવામાં આવી રહ્યા છે. 

શ્રી બાબુ અમીચંદ પનાલાલ જિનાલય–વાલકેશ્વરે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજયકુલચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબની પાવન નિશ્રામાં આયોજિત વર્ષીતપ પારણોત્સવના ત્રણ દિવસના કાર્યક્રમમાં વરઘોડો અને જમણવાર (સ્વામીવાત્સલ્ય) આદિ તમામ જાહેર આયોજનો રદ કર્યાં છે. એ આખો કાર્યક્રમ સાદાઈથી અને મર્યાદાસભર કરવાનું નક્કી કર્યું છે. શ્રી બાબુ અમીચંદ પનાલાલ ટેમ્પલ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સર્વે જૈનોને આ સંદર્ભે નમ્ર વિનંતી કરતાં કહ્યું છે કે રાષ્ટ્ર બચશે તો જ ધર્મ બચશે. 

એ જ રીતે ચેમ્બુરના શ્રી ઋષભદેવજી જૈન દેરાસર અને સાધારણ ખાતા ટ્રસ્ટે રાષ્ટ્રના દુ:ખમાં સહભાગી થઈને ૧૩૦ વર્ષીતપના આરાધકોનો રથયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કર્યો છે. ૧૩૦ આરાધકોની સામૂહિક વર્ષીતપની આરાધના હવે પૂરી થવામાં છે ત્યારે મંગળવારે તેમની ભવ્ય રથયાત્રા અને જમણવારનું આયોજન કર્યું હતું. એમાં ૪૫ બગી, ૪ ઋષભદેવના રથ અને ૪ બૅન્ડ ભાગ લેવાનાં હતાં. ૫૦૦૦ જેટલા ભાવિકો એમાં જોડાવાના હતા. પહલગામની ઘટનાને લઈને રાષ્ટ્રમાં હાલ જ્યારે દુ:ખદ બનાવ બન્યો છે ત્યારે રથયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે, જ્યારે પરમાત્માની ભક્તિનું આયોજન સાદાઈથી ચાલુ રહેશે એમ ટ્રસ્ટે જણાવ્યું છે. 

શ્રી સંભવનાથ જૈન દેરાસર, વિક્રોલી-ઈસ્ટમાં જૈન આચાર્ય શ્રી ભુવનભાનુ જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબના પટધર પરમ પૂજ્ય શ્રી હરિકાંતસૂરીશ્વરજીની નિશ્રામાં ૧૦૫ વર્ષીતપના આરાધકોના ભવ્ય વરઘોડા અને જમ‍ણવારનું આયોજન કરવામાં આવ્યું હતું એ પણ રદ કરવામાં આવ્યું છે. 

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news Pahalgam Terror Attack