27 September, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજા
જુહુ બીચ પર ગઈ કાલે અનંત ચતુર્દશીના બીજા દિવસે સવારે ‘સી, શોર, શાઇન 2026’ નામનું વિશેષ સ્વચ્છતા-અભિયાન દિવ્યજ ફાઉન્ડેશન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મુંબઈ પોલીસ અને મેઘા શ્રેય નામની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાજ ફાઉન્ડેશનનાં સ્થાપક અમૃતા ફડણવીસ, અભિનેતા અજય દેવગન, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડે, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દીકરી દિવિજાએ કહ્યું હતું કે મુંબઈગરાઓએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી ભક્તિ ભગવાનને સમર્પિત હોય, એમાં દેખાડો ન હોવો જોઈએ. એ સિવાય તેણે ગણપતિની મોટી-મોટી બૅલૅન્સિંગ મૂર્તિઓ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવી મૂર્તિઓ પડી રહી છે અને એને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ સ્વચ્છતા અભિયાનમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ના પ્રતિનિધિઓ અને વૉલન્ટિયર્સે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન અંદાજે ૩૪ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.