એપીએમસી અને બહારના વેપારીઓ માટે એકસરખા જ નિયમો અને કાયદાઓ રાખો

13 June, 2021 09:08 AM IST  |  Mumbai | Rohit Parikh

વેપારીઓનું કહેવું છે કે માર્કેટ-ફીનું કલેક્શન અને લાઇસન્સરાજને ધ્યાનમાં રાખીને વ્યાપાર-રોજગારને રૂંધી નાખવાનું કાવતરું કોઈ સંજોગામાં ચલાવી લેવામાં નહીં આવે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકાર આ ચોમાસુસત્રમાં કૃષિ ઉત્પાદનો ખરીદનાર વેપારીઓ માટે લાઇસન્સ ફરજિયાત બનાવે એ પહેલાં સરકારે કૃષિ ઉત્પાદનોનો બિઝનેસ કરી રહેલા વેપારીઓને વિશ્વાસમાં લેવા જોઈએ. ફક્ત માર્કેટ-ફીનું કલેક્શન અને લાઇસન્સરાજને ધ્યાનમાં રાખીને વ્યાપાર-રોજગારને રૂંધી નાખવાનું કાવતરું વેપારીઓ કોઈ પણ સંજોગામાં ચલાવી લેશે નહીં. મિલકતોમાં રોકાણ વ્યાપારી પરિવારોનું છે. એના પર એપીએમસીના કાયદાના નામે જુલમશાહી મહારાષ્ટ્ર સરકાર ચલાવે એ જનહિતની વિરુદ્ધ છે. 

એપીએમસીના ભૂતપૂર્વ સંચાલક અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણાએ રાજ્ય સરકારની લાઇસન્સ ફરજિયાત બનાવવાની યોજનાની ઝાટકણી કાઢતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે જ્યારે કિસાનોના માલોને મુક્ત વ્યાપાર કરવાની નીતિ ઘડી ત્યારે મહારાષ્ટ્ર સરકારે રીટેલ પૉલિસી-૨૦૧૬ મુજબ મલ્ટિનૅશનલ કંપનીઓ, મૉલ, સુપરમાર્કેટોને એપીએમસીના કાયદામાંથી મુક્ત રાખ્યાં હતાં. અત્યારે પણ કાયદો ઘડતા પહેલાં રાજ્ય સરકારે મહારાષ્ટ્રના વેપારીઓને વિશ્વાસમાં લેવા જરૂરી છે. એકંદરે નવી મુંબઈની માર્કેટો અને એમાં પણ કરિયાણા માર્કેટ ખરા અર્થમાં ઇન્ટરનૅશનલ માર્કેટનું હબ છે. સ્થળાંતર કરતી વખતે  એપીએમસીનો કાયદો તાત્પૂરતો લાગુ કર્યો હતો, જે હવે કિસાનોના નામે આજ સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ આ એપીએમસી લાઇસન્સરાજ તથા કથિત ભ્રષ્ટાચાર માટે  નેતા મંડળી નવું બિલ લાવવા ઇચ્છે છે. એનો અમે જોરદાર વિરોધ કરીશું. જરૂર પડી તો એના માટે આંદોલન અને કાનૂની સંઘર્ષ પણ કરીશું. નવી મુંબઈને ઇન્ટરનૅશનલ ઝોન જાહેર કરવાની જરૂર છે. એને બદલે લાઇસન્સરાજ લાવીને વ્યાપાર અને રોજગાર રૂંધવાની સરકાર યોજના બનાવી રહી છે જે જનહિતની વિરુદ્ધ છે. આ બાબતમાં કેન્દ્ર સરકારની મધ્યસ્થી પણ જરૂરી છે.’  

ફૂડ ઍન્ડ સેફ્ટી  (FSSAI) વિભાગ તરફથી અમારા વેપારીભાઈઓને ૨૦૧૭થી નોટિસો આવે છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ઉગ્ર શબ્દોમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે કાયદા એપીએમસીની અંદરના કે બહારના બધા જ વેપારીઓ માટે એકસરખા બનાવવા જોઈએ. અત્યારે એપીએમસીની બહાર માટે અલગ ધારાધોરણ છે. અમે બીજી જૂને મંત્રાલયમાં ફૂડ ઍન્ડ સેફટી ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગના પ્રધાન ડૉ. રાજેન્દ્ર શીંગણે, વિધાનસભ્ય શશિકાંતજી શિંદે તથા FSSAIના જૉઇન્ટ કમિશનર દેશમુખસાહેબ સાથે મીટિંગ કરી હતી. વેપારીઓની આ નોટિસોથી થતી હેરાનગતિ વિશે વિગતવાર માહિતી તેમને આપી હતી. આ બાબતે ચર્ચાવિચારણા કરીને છેલ્લાં પાંચેક વર્ષથી મુલતવી રહેલ નોટિસોની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ન કરવા તેમ જ આ મુશ્કેલીને સંપૂર્ણપણે હલ કરવા ખાતરીપૂર્વકનું આશ્વાસન પ્રધાન તરફથી આપવામાં આવ્યું હતું. અમારા બજારમાં વેપારીઓ ફૂડનું લાઇસન્સ લઈને વેપાર કરે છે. એમ છતાં ગ્રાહકો પાસે લાઇસન્સ ન હોય તો અમારા વેપારીઓને શા માટે હેરાન કરવા જોઈએ? લાઇસન્સ ઇશ્યુ કરવાની અને રિન્યુ કરવાની બન્ને જવાબદારી સંબંધિત વિભાગ અને ગ્રાહકોની હોવા છતાં અમારી બજારના વેપારીઓ છેલ્લાં પાંચેક વર્ષથી આ નોટિસો માટે હેરાનગતિ ભોગવી રહ્યા છે.  નોટિસોમાં જણાવેલા કાયદાની કલમ અનુસાર વેપારીઓને ૫૦૦૦ રૂપિયાથી લઈને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અમારો આ ઇન્સ્પેક્ટરરાજ માટે સખત વિરોધ છે. પ્રધાન મહોદય તરફથી આ બાબતમાં કાયદાકીય સલાહ લઈને ટૂંક સમયમાં ઘટતું કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ નોટિસોને લીધે વેપારીઓ સખત  હેરાન થઈ રહ્યા છે. ફૂડ વિભાગનો આ નવો કાયદો વેપારીઓના હિતમાં ન હોવાથી એને લીધે ઇન્સ્પેક્ટરરાજ વધશે તેથી અમે એનો જોરદાર વિરોધ કરીએ છીએ. જો બજારના વેપારીઓ પાસે લાઇસન્સ હોય તો તેમને શા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે? તેમના ગ્રાહકો પાસે લાઇસન્સ ન  હોય તો એ જવાબદારી અમારા બજારના વેપારીઓની કેવી રીતે હોઈ શકે? આ બાબતે વેપારીઓને હેરાન કરવાનું ફૂડ ઑફિસરોએ બંધ કરવું જોઈએ. સરકારે લાઇસન્સ પદ્ધતિ શરૂ કરવી છે તો બધા જ માટે શરૂ કરે, પરંતુ સરકારની આવી નીતિ નથી દેખાતી.’

આ પગલું કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલા કિસાનો માટેના કાયદાને લગતું લાગે છે એમ જણાવતાં ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના અધ્યક્ષ મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારનું આ પગલું  સારું સાબિત થઈ શકે છે અને કૉર્પોરેટ સેક્ટરને બહાર રાખી શકે છે જેઓ સીધી ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સરકારે આવા કાયદા બનાવતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવો જોઈએ. અન્યથા એનો દુરુપયોગ થવાની સંભાવના છે અને એ સંજોગોમાં એ પ્રતિકૂળ બની જશે.’

સરકાર શું વિચારી રહી છે?
રાજ્યના મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે ‘પાંચમી જુલાઈથી શરૂ થતા ચોમાસુસત્રમાં મહારાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદનોની ખરીદી કરતા વેપારીઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવાની સરકાર યોજના બનાવી રહી છે. આ યોજનાનો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર અભ્યાસ કરી રહ્યા છે. આ યોજના એપીએમસી અને ખેડૂતોના હિતમાં હશે. એનાથી વર્તમાન કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ કાયદાથી કૃષિ પેદાશોનો બિઝનેસ કરતા બધા જ વેપારીઓ એપીએમસીમાં રજિસ્ટર થશે અને એનાથી સમાનતા આવશે. જો ખેડૂત સાથે કોઈ છેતરપિંડી થશે તો એ વેપારી સામે કાયદાકીય પગલાં લેવામાં આ કાયદો ઉપયોગી થશે.’

mumbai mumbai news apmc market navi mumbai rohit parikh