31 December, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભય ગડા
સાંતાક્રુઝ-ઈસ્ટના ગોલીબાર રોડ પર રહેતો ૩૨ વર્ષનો અભય ગડા ૧૫ ડિસેમ્બરની રાતે ઘરેથી નીકળ્યા બાદ મિસિંગ છે. આ મામલે વાકોલા પોલીસે અભયના પરિવારની ફરિયાદના આધારે મિસિંગની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ૧૫ ડિસેમ્બરે રાતે અભયનો પત્ની સાથે નાનોસરખો વિવાદ થયો ત્યાર બાદ થોડી વારમાં આવું છું કહીને અભય ઘરેથી નીકળ્યા બાદ પાછો ફર્યો નહોતો. પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે સંકળાયેલા અભયને શોધવા માટે પોલીસે અભયના ઘરની આસપાસના તેમ જ રેલવે-સ્ટેશન નજીક અને સ્ટેશનની અંદરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસતાં તે છેલ્લે અમદાવાદ રેલવે-સ્ટેશન પર ટ્રેસ થયો હતો. જોકે આગળના CCTV કૅમેરા બંધ હોવાથી અભયની આગળની ભાળ મળી નથી.
અભયનાં મમ્મી મંજુલા ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ ડિસેમ્બરે રાતે સાડાદસ વાગ્યે અભય અને તેની પત્ની વચ્ચે નાની વાતે વિવાદ થયો હતો. એ પછી થોડી વારમાં આવું છું કહીને અભય પોતાનું મગજ શાંત કરવા ઘરમાંથી નીકળી ગયો હતો. એ પછી કલાકો સુધી પાછો ન ફરતાં તેને ફોન કર્યો હતો, પણ તે ફોન અને પૈસા ઘરે જ મૂકીને ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ અમે આસપાસના વિસ્તારમાં તેને શોધવાની શરૂઆત કરી હતી, પણ બીજા દિવસે સવાર સુધી તેનો કોઈ અતોપતો લાગ્યો નહોતો એટલે અમે અમારા નજીકનાં સગાંસંબંધી ઉપરાંત અભયના મિત્રોને ફોન કરીને પૂછપરછ કરી હતી. જોકે તે કોઈના ઘરે પણ નહોતો ગયો એટલે અમે બીજા દિવસે વાકોલા પોલીસ-સ્ટેશનમાં અભય મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અને અમે ભેગા મળીને તપાસ કરતાં તે પાંચમી ડિસેમ્બરે રાતે ઘરેથી નીકળ્યા બાદ બોરીવલી રેલવે-સ્ટેશન પરથી ગુજરાત જતી ટ્રેનમાં બેઠો હતો. એ પછી આગળના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં તે છેલ્લે અમદાવાદ રેલવે-સ્ટેશન પર ૧૬ ડિસેમ્બરે ઊતરતો જોવા મળ્યો હતો. જોકે એમાં તે એક પ્લૅટફૉર્મ પરથી ઊતરીને બીજા પ્લૅટફૉર્મ પર જતો જોવા મળ્યો હતો, પણ બીજા પ્લૅટફૉર્મ પર CCTV કૅમેરા બંધ હોવાથી તેણે કોઈ ટ્રેન પકડી કે સ્ટેશનની બહાર ગયો એ વિશે કોઈ માહિતી મળી નહોતી.’
પરિવારે અભયને ઘરે આવી જવા વિનંતી કરી
મંજુલા ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભયનો ૬ વર્ષનો દીકરો રોજ સવાર-સાંજ અભયની પૂછપરછ કરતાં પૂછે છે કે પપ્પા ક્યાં ગયા? પણ અમે તેને જવાબ નથી આપી શકતાં. હું એક મા તરીકે અભયને વિનંતી કરુ છું કે તું જ્યાં હોય ત્યાંથી ઘરે આવી જા. અમને તારી ખૂબ જરૂર છે.’
મુંબઈ પોલીસે ગુજરાત પોલીસની મદદ લીધી
વાકોલા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ ખેડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અભયનું છેલ્લું લોકેશન ગુજરાત હોવાની માહિતી અમારી સામે આવી છે એ અનુસાર ગુજરાત રેલવે પોલીસ અને સિટી પોલીસને અભય વિશે જાણ કરવામાં આવી છે તેમ જ તેમને પણ અભયને શોધવામાં મદદ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.’