✕

રૉન્ગ-સાઇડમાં કેમ જઈ રહ્યું છે મુંબઈ?

23 November, 2026 07:20 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આ વર્ષે ખોટી ‌દિશામાં ટૂ-વ્હીલર ચલાવતા અધધધ ૪૦+ હજાર લોકો સામે કાર્યવાહી: માત્ર ચલાન આપવાને બદલે FIR નોંધવાની અને ડ્રાઇ‌‌વિંગ લાઇસન્સ રદ કરવાની પ્ર‌ક્રિયા શરૂ : ટ્રા‌ફિક-પોલીસનાં તમામ ૪૧ ‌ડિ‌વિઝનને આકરી કાર્યવાહી કરવાનો આદેશ

જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) સત્યનારાયણ ચૌધરી

મુંબઈમાં રૉન્ગ-સાઇડ પર ટૂ-વ્હીલર વાહન ચલાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે. ટ્રાફિક-પોલીસે ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૪૦,૨૧૦ નિયમભંગ કરનારાઓ સામે કેસ નોંધ્યા છે જે ગત સમગ્ર વર્ષમાં નોંધાયેલા આંકડા કરતાં ત્રણ ગણા કરતાં પણ વધુ છે. આ ઉછાળાને પગલે શહેરવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તમામ ૪૧ ટ્રાફિક-પોલીસ ડિવિઝનને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં ૨૦૦૪ના બૅચના ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસે કાર્યવાહી વધુ કડક બનાવી છે જેમાં તમામ ૪૧ ટ્રાફિક-પોલીસ ડિવિઝનને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવા સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. રૉન્ગ-સાઇડ વાહન ચલાવવાના નિયમભંગમાં ટૂ-વ્હીલરોનો હિસ્સો સૌથી મોટો છે એથી ખાસ ઝુંબેશમાં મુખ્યત્વે આવા સવારોને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે.

સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં વાહન ચલાવીને શૉર્ટકટ લેતા વાહનચાલકો પર અંકુશ મેળવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે, કારણ કે એનાથી રસ્તા પરના અન્ય વાહનચાલકો સાથે સામસામે ટક્કર થવાનું જોખમ ઊભું થાય છે.’

mumbai traffic mumbai traffic police mumbai mumbai news regional transport office whats on mumbai