મુલુંડમાં કૂતરાને ઉપાડી જતો દીપડો દેખાયો, લોકોમાં ફફટાટ

07 February, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં કેદ થઈ હતી

મુલુંડમાં CCTV કૅમેરાના ફુટેજમાં જોવા મળેલો દીપડો

ગુરુવારે મોડી રાતે મુલુંડ-વેસ્ટમાં આવેલા સાંઈપ્રસ્થ ખાતે સરદાર તારા સિંહ ગાર્ડન નજીક દીપડો દેખાવાની ઘટનાએ સ્થાનિક રહેવાસીઓને ચિંતામાં   મૂકી દીધા છે. ગુરુવારે મોડી રાત્રે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બહાર આવેલા દીપડાએ એક કૂતરાનો શિકાર કર્યો હતો અને આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. આ દૃશ્યો સામે આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

મુંબઈ ફૉરેસ્ટ-વિભાગના રેન્જ-ઑફિસર રામદાસ ભાંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વપ્નનગરી વિસ્તારમાં આવેલા સાંઈપ્રસ્થમાં દીપડો આવ્યો હોવાની માહિતી મળતાં તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડો ક્યાંથી આવ્યો હતો અને કયા માર્ગે પાછો ગયો એની ચોક્કસ તપાસ કરવા માટે સ્થળ પર મેઝરમેન્ટ લેવામાં આવ્યું હતું. આ સાથે આસપાસના વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોને દીપડો દેખાય ત્યારે શું કરવું અને શું ન કરવું એની માહિતી આપીને રાતના સમયે એકલા બહાર ન નીકળવાની તેમ જ કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો તાત્કાલિક વનવિભાગના કન્ટ્રોલ-રૂમને જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. CCTV કૅમેરામાં કેદ થયેલાં દૃશ્યો પરથી દીપડો હોવાની પુષ્ટિ થઈ છે. આ દીપડો અંદાજે ચારથી પાંચ વર્ષનો હોવાનું માનવામાં આવે છે. એ ખોરાકની શોધમાં આવ્યો હતો અને એનું નિશ્ચિત લક્ષ્ય હતું જે CCTV કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.’

mulund wildlife bhayander mumbai mumbai news