26 June, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્લેટફોર્મ પર અટવાયેલા પેસેન્જર્સ (તસવીર સૌજન્ય - ગંધર્વ પુરોહિત)
આજે શુક્રવારે મુંબઈની લાઈફલાઇન (Mumbai Local) ખોડંગાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન જ ચર્ચગેટ જતી ટ્રેનોમાં એક પછી એક ટેકનિકલ ફેઇલર થયા હતા. જેના કારણે મુંબઈની લાઈફલાઇન ખોંડગાઈ ગઈ હતી. ઓફિસ જવા નીકળેલા મુંબઈવાસીઓ પીક અવર્સમાં ભારે ભીડમાં કોઈપણ માહિતીના અભાવને કારણે સ્ટેશન પર અટવાઈ ગયા હતા.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે (Mumbai Local) સવારે 6:00થી 7:22 સુધી દાદર (DDR) અને ચર્ચગેટ (CCG) વચ્ચે ઑવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) ફોલ્ટ થયો હતો. આ ફોલ્ટને લીધે મોટેભાગે વ્યસ્ત રહેતા મુંબઈમાં ટ્રેનની કામગીરી ખોરવાઇ ગઈ હતી. OHE ફોલ્ટને રીપેર તો કરવામાં આવ્યો પણ પછી તરત જ બીજી ટેકનિકલ સમસ્યાઓ પંબ ઊભી થઈ હતી. ખાસ કરીને ચર્ચગેટ સ્ટેશન પર પોઈન્ટ ફેલ્યોર થયું હતું. લગભગ 8:00 વાગ્યે થયેલ આ ફેલ્યોરને લીધે મુંબઈની લાઈફલાઇનમાં ભારે અસર થઈ હતી.
સવારે પીક અવર્સ દરમિયાન ટેકનિકલ ફેલ્યોરને લીધે પ્લેટફોર્મ પરની તમામ ચર્ચગેટ-બાઉન્ડ ટ્રેનો (Mumbai Local) લગભગ 15 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:53 વાગ્યે ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી હતી. અચાનક થઈ પડેલા આ વિક્ષેપથી તમામ ટ્રેન મોડી ચાલતી હતી. જેમાં ખાસ કરીને સવારે 8:31 વાગ્યાની લેડિઝ સ્પેશિયલ અને 8:36 અને 8:40ની પ્લેટફોર્મ 2,4 અને 6 પરની સ્લો લોકલ પર અસર થઈ હતી.
લગભગ 15 મિનિટની અંદર ટ્રેનો ફરી શરૂ કરાઇ હતી. સવારના સમયે પીક અવર્સમાં જ પડેલી અગવડતાને કારણે હજારો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ખાસ તો અંધેરી સ્ટેશન પર ઘણા મુસાફરો પ્લેટફોર્મ પર ફસાઇ ગયા હતા. અને આ સમય દરમિયાન ટ્રેન સેવાઓને થયેલી અસર અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. ઘણા મુસાફરોએ તો આગળની મુસાફરી કરવા રેલવેને પડતી મૂકી મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી.
આ સમય દરમિયાન અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસને પણ અસર (Mumbai Local) થઈ હતી. ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી ઉપડી તો હતી, પરંતુ OHE ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે અટકાવવામાં આવી હતી.
સેન્ટ્રલ રેલવેના કેટલાક મુસાફરોએ પણ કલ્યાણ સ્ટેશન (Mumbai Local) નજીક પોઇન્ટ ફેલ્યોર થવાને કારણે સીએસએમટી તરફ ટ્રેન સેવાઓમાં વિલંબ થવાની ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણ પાસે અપ થ્રુ લાઇન પર રેલ ફ્રેક્ચર જોવા મળ્યું હતું, જેના કારણે સેન્ટ્રલ રેલવેએ સલામતીના ભાગ રૂપે ટ્રેનસેવા રોકી હતી. જેથી કેટલીક ટ્રેનો મોડી પડી હતી.