20 November, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકલ ટ્રેનની મોટરમૅનની કૅબિનના દરવાજે લટકીને સ્ટન્ટ કરતી યુવતી
મુંબઈની લોકલ ટ્રેનની મોટરમૅનની કૅબિનના દરવાજા પર ઊભી રહેલી એક યુવતીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં રેલવે-સુરક્ષા વિશે સવાલો ઊભા થયા છે. આ ફુટેજ ગોરેગામ રેલવે-સ્ટેશનનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેમાં આશરે વીસેક વર્ષની યુવતી બન્ને હાથે કૅબિનના દરવાજાનું હૅન્ડલ પકડીને અજીબ હરકતો કરતી જોવા મળે છે. સ્કર્ટ અને હાઈ હીલ્સ પહેરેલી આ યુવતી પ્રતિબંધિત કૅબિનની બહાર ઊભી રહીને પાછળની તરફ ઝૂકીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી દેખાય છે. સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં તે નશાની હાલતમાં હોવાનું જણાવાયું છે. જોકે ફુટેજ પરથી તેની સ્થિતિની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) આ ઘટના ગોરેગામ સ્ટેશન પર બની હોવાની પુષ્ટિ કરી શકી નથી. ૧૬ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ દ્વારા મળેલી ફરિયાદ બાદ રજૂ કરાયેલા ઍક્શન-ટેકન રિપોર્ટ મુજબ RPFએ આ મામલે તપાસ કરી હતી, પરંતુ સ્ટેશન પર આવી કોઈ ઘટના બની હોવાનો કોઈ રેકૉર્ડ મળ્યો નથી.
૧૬ નવેમ્બરે રાત્રે આશરે ૧૧.૪૦ વાગ્યે આ ફરિયાદ મળી હતી. ત્યાર બાદ અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુભાષ યાદવ અને હેડ કૉન્સ્ટેબલ વિનાયક કોરેએ ગોરેગામના સ્ટેશન-માસ્ટર અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સાથે સંકલન સાધીને તપાસ કરી હતી. અધિકારીઓને જાણવા મળ્યું હતું કે ન તો સ્ટેશન સત્તાવાળાઓએ કે ન તો કોઈ મોટરમૅન કે ગાર્ડે આ વિડિયોને મળતી આવતી કોઈ ઘટનાની જાણ કરી છે. RPFએ બપોર અને રાતની શિફ્ટમાં તહેનાત સ્ટાફ પાસેથી પણ માહિતી મેળવી હતી. પ્લૅટફૉર્મ નંબર એક અને બેના ઉત્તર અને દક્ષિણ છેડાના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવ્યાં હતાં, પરંતુ અધિકારીઓના જણાવ્યા મુજબ ગોરેગામ સ્ટેશન પર આવી કોઈ ઘટના બની હોય એવું જણાતું નથી. ઍક્શન-ટેકન રિપોર્ટમાં જણાવાયું છે કે વાઇરલ વિડિયોમાં દેખાતું સ્થળ નક્કી કરી શકાયું નથી એથી આ ફુટેજ ગોરેગામનાં છે કે અન્ય કોઈ રેલવે સ્ટેશનનાં એની RPFએ પુષ્ટિ કરી નથી.