ગુરુવારથી લોકલની ૧૦૦ ટકા સર્વિસ

26 October, 2021 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે ૯૫.૭૦ ટકાની ક્ષમતાએ ચાલતી લોકલ સર્વિસને ટૉપ ગિયરમાં લઈ જવામાં આવશે

ફાઈલ તસવીર

જનજીવન ધીમે-ધીમે સામાન્ય થવા જઈ રહ્યું છે ત્યારે ગુરુવારથી મુંબઈની લાઇફલાઇન પણ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે દોડશે. જોકે, અત્યારની જેમ ફુલ્લી વૅક્સિનેટેડ અને કૉલેજ સ્ટુડન્ટ્સને જ ટ્રાવેલ કરવાની અનુમતિ આપવામાં આવી છે.

હાલમાં મુંબઈની ઉપનગરીય રેલસેવાઓ ૯૫.૭૦ ટકાની ક્ષમતાએ ચાલી રહી છે. આમાં પશ્ચિમ રેલવેએ ૧૩૬૭માંથી ૧૩૦૪ જેટલી સેવાઓ અને મધ્ય રેલવેએ ૧૭૭૪ સેવાઓને બદલે ૧૭૦૨ સેવાઓ ફરી બહાલ કરી છે.

ગયા મહિને રેલવેમાં પ્રવાસ કરનારા મુસાફરોનો આંકડો ૬૦ લાખને પાર પહોંચ્યો હતો, જેમાં ૩૨.૫૦ લાખ મધ્ય રેલવેમાં અને ૨૭.૬૧ લાખ મુસાફરો પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતા હતા.

જોકે મુસાફરોનો સરેરાશ માસિક ૪૦ લાખનો આંકડો હજી કોવિડ પહેલાંની સ્થિતિથી ઘણો દૂર છે. જોકે અધિકારીઓ કહે છે કે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. સેન્ટ્રલ રેલવેમાં પહેલીથી ૧૮ ઑક્ટોબર સુધીમાં મુસાફરોની સંખ્યા રોજની સરેરાશ ૨૦ લાખ રહી છે, જ્યારે પશ્ચિમ રેલવેમાં લગભગ ૧૬થી ૧૮ લાખ જેટલી છે. આમ બંને રેલવેને ગણતરીમાં લઈએ તો મુસાફરોની સરેરાશ સંખ્યા લગભગ ૪૦ લાખ જેટલી થાય છે.

મહારાષ્ટ્ર સરકાર હવે સ્કૂલ–કૉલેજો શરૂ કરવાની પરવાનગી આપી રહી છે એ જોતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના રહે છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે દરરોજ મુસાફરોની સંખ્યા અને ટિકિટના વેચાણનું મૂલ્યાંકન કરીએ છીએ જેના પરથી જાણવા મળ્યું છે કે રસીકરણ કરનારા મુંબઈગરાની તેમ જ સંબંધિત પાસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

mumbai mumbai news mumbai local train