28 December, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈ સ્ટેશન પર મુસાફરો 60 મીટર લાંબા ડેક સાથે નવી બનેલી સીડીનો ઉપયોગ કરી શકે છે (ફાઇલ તસવીર)
વેસ્ટર્ન રેલવેએ કાંદિવલી અને વસઈ રોડ સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ (FOB)ની સીડી ૨૯ ડિસેમ્બરથી કામચલાઉ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી.
કાંદિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર નૉર્થ તરફના બીજા બ્રિજની સાઉથ તરફની સીડી બંધ રહેશે. વસઈ રોડ સ્ટેશન પર પ્લૅટફૉર્મ નંબર ૬ અને ૭ પર નૉર્થ તરફના ત્રીજા બ્રિજની સાઉથ તરફની સીડી મુસાફરો માટે બંધ રહેશે.
વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી સ્ટેશન પર ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ (EI) પૅનલના કામ માટે ૧૮ જાન્યુઆરી સુધી બ્લૉક રહેશે. એના ભાગરૂપે ૨૯ ડિસેમ્બર સુધી અપ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં. બોરીવલીના પ્લૅટફૉર્મ ૮ અને ૯ પણ બંધ રહેશે, જેની મુસાફરોએ નોંધ લેવી.
કાંદિવલી અને બોરીવલી વચ્ચે ચાલતા છઠ્ઠી લાઇનના કામને પગલે ૨૭થી ૨૯ ડિસેમ્બર સુધી ૬૨૯ લોકલ રદ રહેવાની જાહેરાત વેસ્ટર્ન રેલવે તરફથી કરવામાં આવી હતી. એના પગલે ગઈ કાલે ૨૯૬ ટ્રેનો રદ રહી હતી. છઠ્ઠી લાઇનનું કામ રાતે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ચાલ્યું હતું જેને લીધે રાતે ૧૧ વાગ્યા પછીને અનેક ટ્રેનો રદ રહી હતી. બોરીવલીની ટ્રેનો ગોરેગામ શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી. વિરાર તરફની લોકલ ટ્રેનો એક કલાકથી વધુ સમય માટે મોડી પડી હતી. જોકે આખા દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં ટ્રેનો રદ રહેતાં વેકેશન અને રજા માણવા નીકળેલા લોકોને ટ્રેનોમાં ખૂબ જ ભીડ નડી હતી. પ્લૅટફૉર્મ પર મુસાફરોની ભીડ અને રોષ બન્ને વધેલાં જણાયાં હતાં.