સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોની પંક્ચ્યુઅલિટી ૯૨ ટકા

04 April, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે વેસ્ટર્ન રેલવેએ ૪૮૪૦ કરોડ રૂપિયાની આવક કરી, લોકલ ટ્રેનની આવક ૮૭૧.૭૩ કરોડ રૂપિયા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વેસ્ટર્ન રેલવેએ ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષમાં ૪૮૪૦ કરોડ રૂપિયાની રેકૉર્ડબ્રેક આવક નોંધાવી હતી, જેમાં ફક્ત મુંબઈ લોકલ ટ્રેનની આવક ૮૭૧.૭૩ કરોડ રૂપિયાને સ્પર્શી હતી. વળી માર્ચ ૨૦૨૬માં જ AC લોકલે એમાં ૨૪.૪૪ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. વેસ્ટર્ન રેલવેમાં એક્સપ્રેસ ટ્રેનની પંક્ચ્યુઅલિટી ૮૮ ટકા રહી હતી, જ્યારે ૯૨ ટકા લોકલ ટ્રેનો સમયસર દોડતી હતી.

સેન્ટ્રલ રેલવેએ ૨૦૨૫માં ૭ નવી ટ્રેનો શરૂ કરી, જેમાં નાગપુર-પુણે વંદે ભારતનો સમાવેશ થાય છે. અધિકારીએ ઉમેર્યું હતું કે હાર્બર લાઇન પર ૧૪ નવી AC લોકલ ઉમેરવામાં આવી છે, જેનાથી નેટવર્કમાં કુલ AC લોકલની સંખ્યા ૯૪ થઈ ગઈ છે. સેન્ટ્રલ રેલવે હાલમાં રૂટ પર ભીડ ઓછી કરવા અને મુસાફરીને આધુનિક બનાવવા માટે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ૧૨ મોટા પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે. સેન્ટ્રલ રેલવેમાં એક્સપ્રેસ ટ્રેનોની પંક્ચ્યુઅલિટી ૮૨.૦૫ ટકા અને લોકલ ટ્રેનની પંક્ચ્યુઅલિટી ૯૨.૦૪ ટકા નોંધાઈ હતી. ગયા નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ રેલવેએ ભંગાર વેચીને ૪૫૯.૫૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

નાશિક કુંભમેળા માટે સ્ટેશન અપલિફ્ટિંગ પ્રોજેક્ટ્સ

સેન્ટ્રલ રેલવે નાશિક કુંભમેળા માટે પણ તૈયારી કરી રહી છે જેમાં ૧૪૫૫ કરોડ રૂપિયાના ૯૦ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એમાં સ્ટેશન અપગ્રેડ અને ક્રાઉડ કન્ટ્રોલનો સમાવેશ થાય છે. સાંઈનગર શિર્ડી અને ઇગતપુરી સહિત પાંચ સ્ટેશનોને ફેસલિફ્ટ કરવામાં આવશે. માર્ચ ૨૦૨૭ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાનું લક્ષ્ય છે.

mumbai local train AC Local western railway central railway mumbai mumbai news