ખાલિસ્તાની આતંકવાદીના નિશાન પર લોકલ ટ્રેનો?

08 May, 2022 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાંદેડમાંથી ૨૦૦ કરોડ રૂપિયા એકઠા કરીને મુંબઈની ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની પાંચેક મહિના પહેલાં અપાયેલી ગુપ્ત માહિતી બાદ પણ મહારાષ્ટ્ર એટીએસ અંધારામાં

ફાઇલ તસવીર

હરિયાણાના કર્નાલ જિલ્લામાં આવેલા બસ્તરામાંથી ચાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓ પાસેથી મળી આવેલા વિસ્ફોટકો મહારાષ્ટ્રના નાંદેડમાં મોકલવાના હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આથી મહારાષ્ટ્ર પોલીસની ટીમે હરિયાણામાં જઈને આ મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદા મુંબઈની લોકલ ટ્રેનોમાં સિરિયલ બૉમ્બધડાકા કરવા માગતો હોવાથી તેણે આરડીએક્સ તેલંગણમાં મોકલ્યા હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈને આર્થિક રીતે તોડી નાખવા માટે અગાઉ અનેક વખત આતંકવાદીઓએ લોકલ ટ્રેનોને નિશાન બનાવી છે. હવે ખાલિસ્તાનીઓની નજર મુંબઈમાં હોવાનું આના પરથી જણાઈ આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે પાંચેક મહિના પહેલાં મુંબઈ પોલીસને આની ગુપ્ત માહિતી આપવામાં આવી હોવા છતાં મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ) અંધારામાં છે.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પાંચેક મહિના પહેલાં મુંબઈને ગુપ્ત માહિતી મળી હતી કે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. આ અલર્ટ ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદા સંબંધે હતી. આથી નાંદેડમાં મળી આવેલા આરડીએક્સ વિસ્ફોટક મુંબઈ પહોંચાડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જોકે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક નાંદેડ પહોંચ્યા હોવા છતાં મહારાષ્ટ્ર એટીએસને આટલી સંવેદનશીલ માહિતી કેમ ન મળી એવો સવાલ થાય છે.

સૂત્રો મુજબ ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદાએ નાંદેડમાંથી અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરી છે. આ રૂપિયાનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે થાય છે. અત્યારે હરવિંદર રિંદા પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હોવાનું કહેવાય છે. હરવિંદર રિંદાનો જન્મ નાંદેડમાં થયો હતો અને તેણે ૧૮ વર્ષની ઉંમરમાં પહેલી હત્યા કર્યા બાદ અહીં પોતાની દહેશત ઊભી કરી હતી.

હરિયાણામાં ચાર આતંકવાદીની ધરપકડ કરાયા બાદ હરવિંદર રિંદાના સાગરીતોના નાંદેડના સાથીઓના ઘરે કેન્દ્રીય તપાસ એજન્સી અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

mumbai mumbai news mumbai local train