17 September, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં છેલ્લા વર્ષમાં કયા કયા રોગોએ ભરડો લીધો અને કઈ બીમારીઓનું પ્રમાણ ઓછું રહ્યું એ વિષેનો એક ડેટા જારી થયો છે. તાજેતરમાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એપિડેમિક સેલના ડેટા પ્રમાણે જોઈએ તો આ વર્ષે મોન્સુન સંબંધિત બીમારીઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જેમાં મુખ્યત્વે મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. આ રોગ ઉપરાંત ડેન્ગ્યુ અને બીજા અનેક પાણીથી થતાં રોગોમાં વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ વિષે વિગતે વાત કરીએ તો આ વર્ષે મુંબઈમાં મેલેરિયાના કેસો (Mumbai)માં ધરખમ વધારો જોવા મળ્યો છે. આ જ વર્ષના જાન્યુઆરીથી ૧૫ સપ્ટેમ્બરનો ગાળો લઈએ તો આ દરમિયાન મુંબઈ શહેરમાં ૬,૨૭૭ કેસ નોંધાયા હતા. જયારે આ જ સમયગાળો લઈએ અને ગયા વર્ષની તુલના કરીએ તો ફ્ય વર્ષે આ સમયગાળામાં માત્ર ૫,૧૮૨ કેસ જોવા મળ્યા હતા. જેમાં, ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે કેસો જોવા મળ્યા હતા. આ વર્ષે ૫,૭૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેના કરતાં ઓછા ૪,૦૨૧ જેટલા કેસ નોંધાયા હતા. અન્ય રોગ ચિકનગુનિયાની વાત કરીએ તો તેમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૫૪૨ કેસ નોંધાયા છે, જ્યારે જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૨૪ના સમયગાળામાં ૩૬૬ કેસ નોંધાયા હતા.
બીએમસી (Mumbai) દ્વારા જરી કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષની તુલનામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગેસ્ટ્રો અને હીપેટાઇટિસ જેવા પાણીથી થતા રોગોમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ગણેશઉત્સવ દરમિયાન બીએમસીના આરોગ્ય વિભાગે વિવિધ જાહેર જાગૃતિ અભિયાનો હાથ ધર્યા હતા. એટલું જ નહીં, લોકોને મેલેરિયા અને ડેન્ગ્યુ બાબતે જાગૃત કરવા માટે પણ સારા એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પોસ્ટર અને જિંગલ્સનો ઉપયોગ કરીને લોકોને જાગૃત કરાયા હતા.
તમને જણાવી દઈએ કે બીએમસી દ્વારા નાગરિકો (Mumbai) માટે આરોગ્ય સલાહ સુદ્ધા જારી કરાઈ છે. વારંવાર નાગરિકોને આ પાણીથી થતા રોગોથી બચવા માટેની સલાહ પણ આપવામાં આવે છે. જેમ કે સ્થિર પાણીને એક જગ્યા પર ભેગું ન થવા દેવું, નહિતર ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. મચ્છરદાની આથવા અને જાળીનો ઉપયોગ કરો. ખાસ કરીને સૂતી વખતે મોજાં પહેરો અને લેપ્ટોસ્પાઇરોસિસને રોકવા માટે વરસાદના પાણીમાં ચાલવાનું ટાળો. આ દરમિયાન ઉકાળેલું પાણી પીઓ અને બહારનું રેકડી પરનું ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે જ ઘરઘથ્થુ ઓસડીયા કરવાની જગ્યાએ તાવ અથવા અન્ય નબળાઈનાં લક્ષણો દેખાય કે તરત નજીકના ડોકટરોની સલાહ લેવી જોઈએ.