20 April, 2025 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ભાંડુપમાં ૧૬ વર્ષના એક ટીનેજરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ સહિત અન્ય કેટલાંક વાહનો પર તલવારથી હુમલો કર્યો હતો. ગઈ કાલે બપોરે ભાંડુપ-વેસ્ટના ટૅન્ક રોડ પર મિનીલૅન્ડ સોસાયટી પાસે એ ઘટના બની હતી. હાથમાં ખુલ્લી તલવાર સાથે તે ટીનેજર રોડ પર આવી ગયો હતો અને તલવાર વીંઝીને ટ્રૅફિક અટકાવી દીધો હતો. તેણે BESTની બસ પર તલવારથી હુમલો કરી બસનો કાચ ત઼ોડી નાખ્યો હતો. એ વખતે બસમાં પૅસેન્જર પણ હતા. તેણે અન્ય કેટલાંક વાહનોની પણ તોડફોડ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તે ટીનેજર આ પહેલાં પણ અન્યો સાથે બાખડ્યો હોવાનો રેકૉર્ડ ધરાવે છે. જોકે ગઈ કાલે તેણે શા માટે તલવારથી હુમલો કર્યો એની તપાસ ચાલી રહી હતી.