19 October, 2026 12:06 PM IST | Mumbai | Varsha Chitaliya
૪૨ વર્ષના ભાવિક બદિયાણી
મુંબઈની નવરાત્રિ અને ફાલ્ગુની પાઠક આ અલ્ટિમેટ કૉમ્બિનેશન માટે ગુજરાતીઓ ક્રેઝી છે, પણ શું તમે એવો ફૅન જોયો છે જે માત્ર ક્રેઝી નથી પણ ‘સુપર સે ભી ઉપરવાલા’ ફૅન્સની કૅટેગરીમાં આવે છે? જેને જોઈને ગ્રાઉન્ડ પર લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ક્યાંક ફાલ્ગુની પાઠક ખુદ તેમની વચ્ચે ગરબા નથી રમી રહીને? પોતાને ‘ગરબા ફૅનૅટિક’ ગણાવતા વિલે પાર્લેના ૪૨ વર્ષના ભાવિક બદિયાણી ગરબાક્વીનના લુક અને સ્ટાઇલના જબરા દીવાના છે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગરબાક્વીનના ફોટોવાળું ખાસ ડિઝાઇનર જૅકેટ પહેરીને વાઇરલ થયેલા ભાવિકની આ દીવાનગી જોઈ લો.
ક્રેઝી એક્સ્પીરિયન્સ વિશે ભાવિક બદિયાણી કહે છે, ‘નવરાત્રિના ત્રીજા દિવસે થનગાટ ગરબા ગ્રુપ સાથે ફાલ્ગુની પાઠકના ગરબામાં ગયો હતો. ગરબાક્વીનના ફોટોવાળું ખાસ ડિઝાઇનર જૅકેટ પહેર્યું હતું. આઇકૉનિક સૉન્ગ ‘પરી હૂં મૈં’ શરૂ થતાં સેન્ટરમાં આવી ગયો. સનગ્લાસિસ ચડાવીને હૂબહૂ તેના જેવી જ સ્ટાઇલમાં વાળ ઉછાળીને હાઈ-એનર્જી સાથે ગરબા રમવાનું શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર ઘણા લોકોને એવો ભ્રમ થઈ ગયો કે ખુદ ગરબાક્વીન સ્ટેજ પરથી નીચે ઊતરીને ખેલૈયાઓની વચ્ચે ગરબા રમવા આવી ગઈ છે. વાસ્તવમાં હું નાનપણથી જ તેની સ્ટાઇલની કૉપી કરું છું. ગ્રાઉન્ડ પર તે જેવું ગાવાનું શરૂ કરે એટલે મારી એનર્જી ડબલ થઈ જાય છે. તેની જેમ કુરતા પર કોટી પહેરવી પણ ખૂબ ગમે છે.’
એક કિસ્સો શૅર કરતાં ભાવિક કહે છે, ‘ગયા વર્ષે થનગાટ ગ્રુપના પોસ્ટ-નવરાત્રિ પ્રોગ્રામમાં ગરબાક્વીન ચીફ ગેસ્ટ હતી, જે અમારા બધા માટે સરપ્રાઇઝ હતું. સ્ટેજ પરથી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભાવિક ગરબાક્વીનની સ્ટાઇલની કૉપી કરે છે, જો પરવાનગી હોય તો તે પર્ફોર્મ કરી બતાવે. ફાલ્ગુની પાઠક પોતે એ જોવા માટે સુપરએક્સાઇટેડ હતી. હું સ્ટેજ પર ગયો પણ ઇન્ટરનેટનો પ્રૉબ્લેમ થયો અને યુટ્યુબ પર જે ટ્રૅક વાગવાનો હતો એ બંધ થઈ ગયો. જોકે એ ટેક્નિકલ ગ્લિચ મારા માટે વરદાન સાબિત થઈ. ગરબાક્વીને કહ્યું કે ચાલો, હું લાઇવ ગાઈ લઉં, કરો એક્ટિંગ; આપણને કોઈ યુટ્યુબ-બ્યુટ્યુબની જરૂર નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વિના તેણે ગાવાનું શરૂ કર્યું અને મેં તેની સામે તેની જ સ્ટાઇલમાં પર્ફોર્મ કર્યું. મારી આ સ્ટોરીને પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર રીશૅર કરી હતી.’
ગરબાની દીવાનગી ધરાવતા ભાવિક બદિયાણી પર્સનલ લાઇફમાં પણ ક્રીએટિવ છે. કેટરિંગના બિઝનેસની સાથે હવે તે ડિઝર્ટ સેક્ટરમાં પણ ઝંપલાવી ચૂક્યા છે. ફૂડમાં નવું ક્રીએશન લાવવા પહેલાં પોતે એને ટ્રાય કરે. દેશભરની ખાઉગલીઓમાં ફરે છે અને ત્યાંની લોકલ ડિશ ચાખીને મુંબઈ આવ્યા પછી એને રી-ક્રીએટ કરે છે. જાણીતા શેફ્સ અને ફૂડ-ટ્રેન્ડને પણ ફૉલો કરે છે. કૉફી અને ચૉકલેટ-લવર હોવાની સાથે તેમને ઍક્ટિંગનો જબરો શોખ છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને પરેશ રાવલના ડાયલૉગ્સ પર મિમિક્રી કરે છે. પરિવારમાં મમ્મી અને બહેન છે.