31 July, 2026 07:12 AM IST | Mumbai | Vinod Kumar Menon
મમ્મી-પપ્પા સાથે દેવરથ શાહ.
ગંભીર શારીરિક અક્ષમતાને કારણે બાયોમેટ્રિક ઑથેન્ટિકેશન શક્ય ન બનતાં વર્ષોથી આધાર કાર્ડ મેળવવાથી વંચિત રહેલા ગિરગામના ૩૬ વર્ષના દેવરથ શાહને આખરે પોતાની આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
‘મિડ-ડે’માં આ પરિવારના સંઘર્ષનો અહેવાલ પ્રકાશિત થયા બાદ બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઑથોરિટી (DLSA)ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એને પગલે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) અને જિલ્લા-પ્રશાસનના અધિકારીઓએ ગિરગામમાં દેવરથના ઘરે પોર્ટેબલ બાયોમેટ્રિક કિટ સાથે પહોંચીને સફળતાપૂર્વક નોંઘણી-પ્રક્રિયા પૂરી કરી હતી. પ્રશાસન દ્વારા ૨૯ જુલાઈએ ૧૨ આંકડાનો આધાર-નંબર જનરેટ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ ફિઝિકલ કાર્ડ પરિવાર સુધી પહોંચાડી દેવામાં આવશે.
દેવરથ, તેના પપ્પા નયન શાહ તથા મમ્મી બેલા શાહ માટે આ આધાર કાર્ડ વર્ષો જૂના સખત સંઘર્ષનો અંત લાવનારું સાબિત થયું છે. અત્યાર સુધી આધાર કાર્ડના અભાવે દેવરથ બૅન્ક ઑફ બરોડાનું નિષ્ક્રિય થઈ ગયેલું ખાતું ચાલુ કરાવી શકતો નહોતો તેમ જ પર્મનન્ટ શારીરિક અક્ષમતાનું સર્ટિફિકેટ અને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાથી વંચિત રહી જતો હતો. હવે આ ઓળખપત્ર મળી જતાં તેના માટે સંજય ગાંધી દિવ્યાંગ પેન્શન યોજના જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનાં દ્વાર ખૂલી ગયાં છે.
એક જ દિવસમાં ડૉમિસાઇલ સર્ટિફિકેટ ઇશ્યુ થયું
આ સિદ્ધિ પાછળની પ્રક્રિયાની વિગત આપતાં મુંબઈના ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઑથોરિટી (DLSA)ના સેક્રેટરી પવન તપાડિયાએ જણાવ્યું હતું કે ‘અમારા પૅરા-લીગલ વૉલન્ટિયરે દેવરથના ઘરે પહોંચીને તમામ જરૂરી દસ્તાવેજી સહાય પૂરી પાડી હતી. પ્રશાસન દ્વારા સેતુ સિસ્ટમ દ્વારા એક જ દિવસમાં તેનું ડૉમિસાઇલ સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ UIDAIની ટીમે ઘરે આવીને અનેક પ્રયાસો બાદ આઇરિસ (આંખની કીકી) સ્કૅન અને ફિંગરપ્રિન્ટની મદદથી સફળતાપૂર્વક આધાર એનરોલમેન્ટ પૂરું કર્યું હતું.’