23 January, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં રવિવારે યોજાયેલી મૅરથૉન
મુંબઈમાં રવિવારે યોજાયેલી મૅરથૉન ઘણા લોકો માટે ફિટનેસ, સહનશક્તિ અને ઉજવણી માટે હતી. જોકે કચરો વીણનાર શંકર અને તેની પત્ની રેખા માટે એ એક જ દિવસમાં લગભગ એક અઠવાડિયાની કમાણી કરવાની તક બની ગઈ હતી.
હજારો દોડવીરો અને દર્શકો રૂટ પર લાઇન લગાવી રહ્યા હતા ત્યારે આ દંપતી શાંતિથી બાજુમાં કામ કરી રહ્યું હતું. તેઓ ઇવેન્ટ દરમ્યાન અને પછી છોડી દેવાયેલી પ્લાસ્ટિકની બૉટલો, કપ અને ફૂડ-રૅપર વગેરે એકત્રિત કરી રહ્યાં હતાં. દિવસના અંત સુધીમાં શંકરે અંદાજ લગાવ્યો હતો કે તેમણે જે પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો હતો એ ભેગો કરવામાં સામાન્ય દિવસોમાં લગભગ આખા અઠવાડિયાનો સમય લાગે છે.
શંકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય દિવસે હું થોડું-થોડું કમાઉં છું. મને કેટલું પ્લાસ્ટિક મળે છે એના પર એ આધાર રાખે છે. વળી એ વીણવા માટે અલગ-અલગ વિસ્તારોમાં દોડવું પડે છે. જોકે આજે જે મળ્યું એ આખા અઠવાડિયાના કામ જેવું લાગે છે.’
શંકર પ્લાસ્ટિકનો કચરો સામાન્ય રીતે તેના નિયમિત ભંગારના વેપારીને વેચીને તેની પાસેથી પ્રતિ કિલો આશરે ૧૫ રૂપિયા મેળવે છે. આ ભાવે તેની દિવસની કમાણી લગભગ ૧૦૦૦ રૂપિયાની આસપાસ થતી હોય છે. શંકરે કહ્યું કે વર્ષોના અનુભવે તેને જથ્થાનો સચોટ અંદાજ લગાવવાનું શીખવ્યું છે.
શંકરે વધુમાં કહ્યું હતું કે ‘અમારા માટે આવી ઘટનાઓ ટૂંકા સમયમાં આવક વધારવાની દુર્લભ તક છે. અમારું કાર્ય અજાણ્યું છે અને કોઈ એના પર ધ્યાન આપતું નથી. અમે રીસાઇક્લિંગ અને પ્રદૂષણનો ભાર ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીએ છીએ. આવક થતી હોવા છતાં અમે નથી ઇચ્છતા કે અમારો પુત્ર અમારા પગલે ચાલે. અમે ઇચ્છીએ કે તે અભ્યાસ કરે અને એવી નોકરી કરે જ્યાં તે AC ઑફિસમાં બેસીને કામ કરે.’
જોકે દક્ષિણ મુંબઈની BMCની સ્કૂલમાં અભ્યાસ કરતો તેમનો ૮ વર્ષનો દીકરો વિકી રવિવારે રજા હોવાથી તેનાં માતા-પિતા સાથે ગયો હતો. તેણે કહ્યું હતું કે મારા હાથ નાના છે, પરંતુ ઘરે પાછા ફરવાને બદલે હું હજી પણ મારાં માતા-પિતાને મદદ કરી શકું છું.
મૅરથૉન જેવી મેગા ઇવેન્ટ્સ પાણીની બૉટલો અને ફૂડ-પૅકેજિંગ દ્વારા મોટા પ્રમાણમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે. આ બાબત પર્યાવરણને લઈને કચરાના નિકાલ અંગે ચિંતાઓ ઊભી કરે છે. આવો કચરો ઉપાડીને શહેર સ્વચ્છ રાખવામાં શંકર જેવા અદૃશ્ય હાથ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.