18 September, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની પહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ના વરલી-કફ પરેડ વચ્ચેના અંતિમ તબક્કાનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. ૩૦ સપ્ટેમ્બરે વરલીના આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ વચ્ચે મેટ્રો ચાલુ થતાં મેટ્રો ૩ કૉરિડોર સંપૂર્ણપણે કાર્યરત બનશે.
આરેથી કફ પરેડ સુધી ૩૩.૫ કિલોમીટરના માર્ગ પર દોડનારી મેટ્રો ૩ અગાઉ બે તબક્કામાં ચાલુ થઈ ગઈ છે. ઑક્ટોબર ૨૦૨૪માં આરે-બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ (BKC) વચ્ચે મેટ્રો ૩નો પ્રથમ તબક્કો કાર્યરત થયો હતો. ૨૦૨૫ના મે મહિનામાં BKC-આચાર્ય અત્રે ચોક સુધી બીજા તબક્કાને ખુલ્લો મુકાયો હતો.
આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ વચ્ચેના અંતિમ તબક્કાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. તેથી મુખ્ય પ્રધાનની જાહેરાત મુજબ ૩૦ સપ્ટેમ્બરથી મેટ્રો ૩ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન પણ ૩૦ સપ્ટેમ્બરે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરનો ઍર ટ્રાફિક હળવો કરવા માટે લાંબા સમયથી નવી મુંબઈ ઍરપોર્ટ કાર્યરત થાય એની રાહ જોવાઈ રહી હતી. અત્યારે નવી મુંબઈ ઍરપોર્ટના કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી ઍરપોર્ટ કાર્યરત થશે. જોકે બોરીવલી અને પુણે એમ બન્ને બાજુથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી પહોંચવામાં બે કલાક જેટલો સમય લાગશે તેથી નવા ઍરપોર્ટને મુસાફરોનો કેવો પ્રતિસાદ મળશે એ જોવું રહ્યું.