22 September, 2026 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યાં સ્લૅબ પડ્યો એ સ્થળ.
શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલા મેટ્રોના કન્સ્ટ્રક્શનની સાઇટ પર થયેલી દુર્ઘટનાઓમાં બે જણનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે ત્યારે આવો ત્રીજો બનાવ રવિવારે મીરા-ભાઈંદરમાં કાશીમીરામાં બન્યો હતો. એમાં ૨૩ વર્ષનો યુવક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. આ ઘટના બાદ મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પર થતી દુર્ઘટનાઓની સંખ્યા પાંચ થઈ ગઈ છે. આ પહેલાં મેટ્રો સાઇટ પરની દુર્ઘટનાઓને કારણે ૪ જણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એના કારણે મેટ્રોનું કામ ચાલતું હોય એવાં સ્થળોએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાનો તથા એની નજીકથી અવરજવર કરતા લોકોના જીવને જોખમ હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ રવિવારે શાદાબ કાશીમીરામાં અક્ષિત રેસ્ટોરાં નજીક રસ્તો ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે તેને ફોન આવતાં તે ઘડી-બે ઘડી ઊભો રહીને ફોન રિસીવ કરી રહ્યો હતો ત્યારે જ તેના માથા પર ચાલતા મેટ્રોના કામના સ્થળેથી સિમેન્ટનો સ્લૅબ પડ્યો હતો જેને કારણે શાદાબના માથામાં ગંભીર ઈજા થઈ હતી.
એક કલાક રસ્તા પર
શાદાબના માથે સ્લૅબ પડ્યા બાદ તે બેભાન અવસ્થામાં રસ્તા પર લગભગ એક કલાક સુધી એમ જ પડી રહ્યો હતો. રસ્તાના કિનારે અનેક વાહનો પાર્ક કરવામાં આવેલાં હોવાથી કોઈનું ધ્યાન શાદાબ પર પડ્યું નહોતું. જોકે એકાદ કલાક પછી ત્યાંથી પસાર થઈ રહેલા એક જણનું ધ્યાન જતાં સ્થાનિકોની મદદથી શાદાબને વૉકહાર્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેના પર સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સ્કૂલનાં બાળકો પણ બચ્યાં
આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યા મુજબ આ પહેલાં પણ આ કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી લોખંડના સળિયા જેવી કન્સ્ટ્રક્શનની સામગ્રી નીચે પડી હોવાના બનાવ બની ચૂક્યા છે. એક મહિના પહેલાં જ અહીંથી સ્કૂલની વૅન પસાર થઈ રહી હતી ત્યારે લોખંડની વસ્તુઓ ઉપરથી પડી હતી. જોકે આ ઘટનામાં સદ્ભાગ્યે કોઈને ઈજા પહોંચી નહોતી અને વૅનમાં રહેલાં બાળકો સહેજ માટે બચી ગયાં હતાં. આવી ઘટનાઓ ફરી ન બને એ માટે પ્રશાસન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરે એવી માગણી કરવામાં આવી રહી છે.
મેટ્રોની કન્સ્ટ્રક્શન-સાઇટ પર બનેલી જીવલેણ દુર્ઘટનાઓ
શુક્રવારે ૧૮ સપ્ટેમ્બરે ઘાટકોપરના અશોકનગરમાં LBS રોડ પર મેટ્રોના ચાલી રહેલા કામના સ્થળેથી લોખંડનું મોટું બૅરિકેડ પડતાં ૫૪ વર્ષના પ્લમ્બર વસીમ હૈદર રિઝવીનું મૃત્યુ.
૧૨ સપ્ટેમ્બરે વડાલામાં ભક્તિ પાર્ક નજીક મેટ્રો 4ની કન્સ્ટ્રક્શન-સાઇટ પર લોખંડનું સ્ટેજિંગ પ્લૅટફૉર્મ તૂટી પડતાં ૩૩ વર્ષના નાહિજ અને ૩૭ વર્ષનાં સાકિમનાં મૃત્યુ.
મુલુંડમાં મેટ્રો 4ની કન્સ્ટ્રક્શન-સાઇટ પરથી કન્સ્ટ્રક્શન મટીરિયલ રિક્ષા પર પડતાં ૧૪ ફેબ્રુઆરીએ ૪૯ વર્ષના રામધની યાદવ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય ૩ જણ ઈજાગ્રસ્ત થયા હતા.