04 November, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હજારો પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી હતી
વર્સોવા અને ઘાટકોપર વચ્ચે દોડતી મુંબઈની પહેલી મેટ્રો 1માં ગઈ કાલે અંધેરી ખાતે ટેક્નિકલ ફૉલ્ટ આવવાને કારણે એ અટકી ગઈ હતી. સાંજે પીક અવર્સમાં ૫.૧૦થી ૫.૩૦ સુધી મેટ્રો અટકી ગઈ હતી એને કારણે હજારો પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી હતી.
મેટ્રો બંધ પડી એ પહેલાં બહુ મોટો કડાકો સંભળાયો હતો અને એના કારણે મેટ્રો સ્ટેશન પરના જ નહીં, મેટ્રો સ્ટેશનની બહાર રોડ પર ચાલતા લોકો પણ ચોંકી ગયા હતા. આવા બે કડાકા સંભળાયા હોવાનું લોકો કહી રહ્યા હતા. એવી શક્યતાઓ દર્શાવાતી હતી કે મેટ્રોના ઓવરહેડ વાયરમાં કશું અથડાયું હોવાથી એ કડાકો થયો હતો. જોકે મેટ્રો 1 તરફથી એ કડાકા બદલ કે ટ્રેનો ચોક્કસ કયાં કારણોસર અટકી હતી એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.