04 November, 2025 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિવારે આખી રાત કામ ચાલુ હતું
વડાલાને થાણે સાથે જોડતી મેટ્રો 4નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. રવિવારે આખી રાત કામ ચાલુ રાખીને ભાંડુપ અને સોનાપુર જંક્શન પર ૫૬ મીટર લાંબો અને ૪૫૦ ટન વજનનો સ્ટીલનો સ્પૅન ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ મેટ્રો 4નું ૮૪.૫ ટકા કામ પૂરું થયું છે. વડાલાથી થાણેના કાસારવડવલી વચ્ચે દોડનારી ફુલ્લી એલિવેટેડ ગ્રીન લાઇન ત્રણ તબક્કામાં ચાલુ થશે.
ગાયમુખથી કૅડબરી જંક્શન વચ્ચેનો પહેલો તબક્કો ૨૦૨૫ના ડિસેમ્બર મહિના સુધીમાં શરૂ થશે, જ્યારે કૅડબરીથી કાંજુરમાર્ગના ગાંધીનગર વચ્ચેનો તબક્કો ઑક્ટોબર ૨૦૨૬ સુધીમાં શરૂ થશે અને ગાંધીનગરથી વડાલાનો અંતિમ તબક્કો ૨૦૨૭ના ઑક્ટોબર સુધીમાં શરૂ થવાની શક્યતા છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ જણાવ્યું હતું કે વરસાદ છતાં ૧૦૦ જેટલા કામદારો અને મૉડર્ન મશીનરીની મદદથી ટ્રાફિકને ડિસ્ટર્બ ન થાય એ રીતે એક રાતમાં સ્પૅન ગોઠવવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું.