મોનોરેલ ફરી લથડી : ટ્રાયલ દરમ્યાન પહેલો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો

06 November, 2025 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં મોનોરેલ સિસ્ટમ પર કમ્યુનિકેશન-આધારિત ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ ટેક્નૉલૉજીનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

વડાલા ડેપોની બહાર ક્રૉસ ઓવર પૉઇન્ટ પર બે બીમ વચ્ચે ઝોલાં ખાતી મોનોરેલ. તસવીરો: શાદાબ ખાન

મોનોરેલના અપગ્રેડેશનના ભાગરૂપે વિવિધ પરીક્ષણો ચાલી રહ્યાં છે. આ પરીક્ષણ દરમ્યાન બુધવારે સવારે વડાલા ડેપોમાં ટેક્નિકલ ટેસ્ટ-રન દરમ્યાન રેકનો પહેલો કોચ બીમ સાથે અથડાઈને બે ટ્રૅક વચ્ચે ઊંચો થઈ ગયો અને કોચનો પાછળનો ભાગ નમી પડ્યો હતો. એને લીધે કોચને ભારે નુકસાન થયું હતું. ટ્રેન-પાઇલટ સાથે પરીક્ષણ માટે બેઠેલા એન્જિનિયર અને એક સ્ટાફ-મેમ્બર એમ ત્રણ જણને આ બનાવમાં ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ ફરી એક વાર મોનોરેલની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થયા છે. 

મોનોરેલ ઑપરેટર મહા મુંબઈ મેટ્રો રેલ ઑપરેશન્સ લિમિટેડ (MMMOPL)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે ૮.૫૦ વાગ્યે મોનોરેલ રેકને સિગ્નલિંગ ટ્રાયલ માટે બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે વડાલા ડેપોની બહાર ક્રૉસઓવર પૉઇન્ટ પર અકસ્માત થયો હતો. ફાયર-બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ક્રૂ-સભ્યોને મોનોરેલમાંથી સુરક્ષિત રીતે બચાવ્યા હતા. MMMOPLના નિવેદનમાં આ ઘટના સામાન્ય હોવાનું જણાવીને આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું કહ્યું હતું. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રેકને થયેલા નુકસાન અને ત્રણ જણને થયેલી ઈજા વિશે સ્પષ્ટતા કરી હતી.

અકસ્માતને લીધે પહેલા કોચનાં અન્ડરગિઅર્સ, કપલિંગ અને બોગીઓનાં વ્હીલ્સ પરના કવરને મોટું નુકસાન થયું હતું. કૉરિડોરની નીચેથી ટ્રેન બે બીમ વચ્ચે ફસાયેલી દેખાય છે, જેનો એક ભાગ હવામાં લટકતો દેખાય છે. કોચને ફરીથી ટ્રૅક પર બેસાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

૨૦ સપ્ટેમ્બરથી મોનોરેલની સેવા બંધ રાખીને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં મોનોરેલ સિસ્ટમ પર કમ્યુનિકેશન-આધારિત ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ ટેક્નૉલૉજીનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?
૫૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાર કોચવાળી નવી ૧૦ રેક ખરીદવામાં આવી છે. એના પરીક્ષણ માટે રેક બનાવનાર કંપનીના એન્જિનિયર સહિત મોનોરેલનો સ્ટાફ અને ટ્રેન-પાઇલટ બુધવારે સવારે ૮.૫૦ વાગ્યે વડાલા ડેપોમાંથી સંત ગાડગે મહારાજ ચોક (SGMC) તરફ જવા રવાના થયા હતા. ટ્રેન શરૂ થઈ એની ૧૦ જ મિનિટમાં SGMG તરફના ટ્રૅક પર ચડવાને બદલે રેક ડેપો લાઇન તરફ વળી ગઈ હતી. એને લીધે રેકનો પહેલો કોચ ગાઇડ બીમને અથડાઈને બે ટ્રૅક વચ્ચે ઊંચો થઈ ગયો અને કોચનો પાછળનો ભાગ નમી પડ્યો હતો. આ ટક્કરને લીધે રેકના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ટ્રેન-પાઇલટ સહિત ત્રણ જણને માથામાં ઈજા થઈ હતી, તેમને સાયનની હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. હેવી ડ્યુટી ક્રેનનો ઉપયોગ કરીને મોડી સાંજે ટ્રેન હટાવી શકાઈ હતી.

mumbai news mumbai mumbai monorail mumbai transport mumbai traffic