28 September, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચર્ચગેટમાં અચાનક પડેલા વરસાદમાં યુવાનો ઊંઘતા ઝડપાયા હતા (તસવીર : અતુલ કાંબળે)
ચોમાસું પૂરું થવામાં છે, પણ હજી વરસાદ રોકાવાનું નામ નથી લેતો. ગઈ કાલે મુંબઈની સાથે થાણે અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ જોરદાર વરસાદ પડ્યો હતો. આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ છે ત્યારે વિસર્જન સમયે પણ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી મુજબ મુંબઈ અને થાણે ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં આગામી ચાર દિવસ વાદળાંઓની ગડગડાટ સાથે વરસાદ પડી શકે છે.
આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ છે અને લાખો ભક્તો બાપ્પાનું વિસર્જન કરવાની સાથે વિદાય આપવા માટે ઘરોની બહાર નીકળશે ત્યારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એટલે બધાને અલર્ટ રહેવાની સૂચના જારી કરવામાં આવી છે.
પુણે હવામાન વિભાગના ઇન્ચાર્જ કે. એસ. હોસળીકરની આગાહી મુજબ આજે પુણે સહિત કોંકણના જિલ્લાઓમાં યલોથી ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે. સિંધુદુર્ગ, રત્નાગિરિ, કોલ્હાપુર અને દક્ષિણ કોંકણમાં આગામી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદ પડી શકે છે.
મુંબઈ અને થાણે તથા રાયગડમાં પણ આજે બપોર બાદ નોંધપાત્ર વરસાદ થઈ શકે છે. આથી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે ઘરોની બહાર નીકળતાં પહેલાં કાળજી રાખવાની સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે મીરા રોડથી લઈને મુલુંડ અને ઘાટકોપર સહિતના વિસ્તારોમાં એક કલાક પડેલા વરસાદથી બધે પાણી-પાણી થઈ ગયું હતું. આવી જ રીતે આજે પણ વરસાદ પડશે તો વિસર્જનમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.