22 June, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સોમવારે ૨૩ જૂનથી ચાર દિવસ કુર્લાના ‘એલ’ વૉર્ડ અને ભાંડુપના ‘એસ’ વૉર્ડના વિસ્તારોમાં રહેતા લોકોને પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સૂચના આપી છે. BMC દ્વારા પવઈ જળાશયની ટૅન્ક નંબર–2નું સ્ટ્રક્ચરલ રિપેર હાથ ધરવામાં આવ્યું હતું જે હવે પૂરું થયું છે એથી BMC હવે એમાં પાણી શિફ્ટ કરીને ટૅન્ક-1નું કામ શરૂ કરશે એથી સાવચેતીની દૃષ્ટિએ લોકોને પાણી ઉકાળીને ગાળ્યા બાદ પીવાનું કહેવામાં આવ્યું છે.
જે એરિયા આ ફેરફારને કારણે અસરગ્રસ્ત થવાના છે એમાં કુર્લા ‘એલ’ વૉર્ડના નાઇન્ટી ફીટ કુર્લા-અંધેરી રોડ, સાકીવિહાર, સત્યાનગર પાઇપલાઇન રોડ, ઘાટકોપર–અંધેરી રોડ, મહાત્મા ફુલે નગર, જરીમરી, કુર્લા–કાજુપાડા, શાસ્ત્રીનગર, ઘાસ કમ્પાઉન્ડ, ક્રાન્તિનગર, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને લૉ ઇન્કમ ગ્રુપ (LIG) તથા મિડલ ઇન્કમ ગ્રુપ (MIG) કૉલોનીનો સમાવેશ છે.
BMCના ‘એસ’ વૉર્ડ હેઠળ ભાંડુપના મોરારજીનગર, પાસપોલી વિલેજ અને લોકવિહાર કૉલોનીનો સમાવેશ છે.