વરસાદે લગાડી વાટ

10 June, 2021 09:22 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પાણી ભરાવાને લીધે દુકાનદારોને થઈ રહી છે નુકસાનીની ચિંતા અને નોકરીએ ગયેલા મુંબઈગરાઓને ટ્રાફિકની હેરાનગતિની સાથે આગામી દિવસોમાં વરસાદ વચ્ચે કામ પર સમયસર કઈ રીતે પહોંચવું એની

ટ્રેનોમાં નૉન-એસેન્શિયલ સર્વિસવાળા લોકોને પ્રવાસ કરવાની પરવાનગી ન હોવાથી ભારે વરસાદ વચ્ચે ગઈ કાલે દાદર ટીટી પર બસની રાહ જોઈને ઊભા રહેલા મુસાફરો. સુરેશ કરકેરા

હજી તો માંડ-માંડ કામ-ધંધે લાગેલા વેપારીઓને પહેલા વરસાદે એવી થપાટ મારી હતી કે પાછા બેઠા થવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ગઈ કાલના વરસાદમાં થયેલા આર્થિક નુકસાનની આ વેપારીઓને ચિંતા સતાવી રહી છે. મુંબઈના વરસાદે લાંબો સમય વિતાવીને કામે જતા નોકરિયાત વર્ગને પણ છોડ્યો નહોતો. ટ્રેન બંધ હોવાથી બસ, કાર વગેરે વિકલ્પનો ઉપયોગ કરીને જનારા લોકો રસ્તાઓ પર પાણી ભરાતાં ટ્રાફિક જૅમમાં ફસાઈ ગયા હતા. તેમને ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હોવાથી અમુક તો રસ્તા પર જ અટવાઈ ગયા ને મિત્રોથી લઈને સંબંધીઓના ઘરે જવા પર મજબૂર થયા હતા. 

ગાંધી માર્કેટની બહાર આવેલા મુખ્ય રસ્તા પર રામેશ્વર ભવનની પાસે બે ગાળાની જનતા ડ્રાય ફ્રૂટ્સ અને ગિફ્ટ સેન્ટર નામની દુકાન ધરાવતા કશ્યપ મોતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગાંધી માર્કેટમાં મોટા ભાગે પાણી ભરાતાં જ હોય છે, પરંતુ આ વખતે તો મૉન્સૂનના પહેલા જ દિવસે આટલા પ્રમાણમાં પાણી ભરાઈ જશે એવો અંદાજ ન હોવાથી અમે કોઈ તૈયારી કરી નહોતી. સવારે મૂશળધાર વરસાદ પડ્યા બાદ દુકાનમાં પાણી આવવા લાગ્યું ત્યારે અંદાજ આવ્યો કે હવે દુકાન બંધ જ કરવી પડશે અને સામાન ઉપર મૂકવો પડશે. એથી મેં અને અમારી આસપાસની દુકાનોના વેપારીઓએ દુકાનમાં રહેલો સામાન જેટલો થાય એટલો ઉપર મૂક્યો જેથી નુકસાન ઓછું થાય. શું ખબર મુંબઈના વેપારીઓએ શું ગુનો કર્યો છે કે આવા દિવસ જોવા મળી રહ્યા છે. એક તો પહેલાંથી જ અનેક સમસ્યાનો સામનો કરી રહેલા વેપારીઓ ગ્રાહકોની સંખ્યા ઓછી થવાથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે એવામાં ઘરાકી વગર જ દુકાનો બંધ કરી દેવી પડી રહી છે. દુકાનમાં પાણી ઘૂસવાથી કેટલું નુકસાન થયું છે એ તો આજે દુકાન ખોલશું ત્યારે ખબર પડશે. કોરોના બાદ સરકારના નિયમો ને વરસાદ બધાને લીધે વેપારીઓ વેપાર કરીને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે એ પ્રશ્ન ઊભો થયો છે.’

ગઈ કાલે ભારે વરસાદને કારણે કિંગ્સ સર્કલની ગાંધી માર્કેટમાં ભરાઈ ગયેલાં પાણી. પ્રદીપ ધિવાર

અંધેરીમાં જે.પી. રોડ પર બૉમ્બે બજાર પાસે મોબાઇલની દુકાન ધરાવતા દામજીભાઈ ખીરાણી (ગાલા)એ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી દુકાનો બંધ સમાન જ છે અને એમાં માંડ દુકાનો ખુલ્લી રાખવાનું મૂરત આવ્યું હતું, પરંતુ સુધરાઈની ગાઇડલાઇન્સ પ્રમાણે સાંજે ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ છે જે રીટેલ શૉપધારકોને કોઈ મતલબ નથી, છતાં દુકાનો ખુલ્લી રાખીએ તો છીએ, પરંતુ ગઈ કાલે અમારા ભાગમાં પડેલા ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયાં એની નવાઈ લાગે છે. રસ્તા અને દુકાનોની અંદર પાણી ભરાઈ જવાથી દુકાનો બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. ઘરાકી તો છોડો, પરંતુ પાણી ભરાઈ જવાથી દુકાનમાં નુકસાન ન થયું હોય તો સારું.’
સાયનમાં કપડાની દુકાન ધરાવતા મનીષભાઈ કોઠારીએ જણાવ્યું કે ‘વેપારીઓ તો દોઢ વર્ષથી ફક્ત સુધરાઈના નિયમોનું પાલન કરવા સિવાય કંઈ કરી શક્યા નથી, પરંતુ આશા એવી હતી કે લોકોની અવરજવર ઓછી હોવાથી નાળાસફાઈ પર ભાર અપાશે અને વરસાદમાં પાણી ઓછા પ્રમાણમાં ભરાશે. જોકે, પહેલાં જ વરસાદમાં પાણી ભરાઈ ગયું. સુધરાઈના દાવાઓ તો પોકળ જ સાબિત થયા.’

મીરા રોડથી દરરોજ બીકેસી જતા ઘનશ્યામ ઠક્કરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે હું સવારે સાત વાગ્યે ઑફિસ જવા નીકળ્યો હતો. એ વખતે વરસાદ ના બરાબર હતો, પરંતુ થોડે આગળ જતાં ભારે વરસાદ શરૂ થયો હતો. દરરોજ ઑફિસે સાડાઆઠ વાગ્યાની આસપાસ પહોંચી જાઉં છું, પરંતુ ગઈ કાલે સાડાદસ બાદ ઑફિસે પહોંચ્યો હતો. ઍરપોર્ટ રોડ પર ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. જલદી પહોંચવા માટે સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત થઈને બીકેસી દસ મિનિટમાં પહોંચું, પરંતુ પહોંચતા ૫૦ મિનિટથી વધુ સમય લાગ્યો હતો. રસ્તા પર પાણી એટલું ભરાયું કે વાહન ચલાવી શકાય એમ નહોતું. સાડાછ વાગ્યે ઑફિસથી નીકળીએ છીએ, પરંતુ વરસાદને ચાલતે બપોરે સાડાત્રણ વાગ્યે જ નીકળી ગયા હતા. ​પાછા વળતી વખતે પણ ઘરે પહોંચતા સાડાપાંચ વાગ્યા હતા.’

બોરીવલીથી અંધેરી કામ પર જતા માર્કેટિંગનું કામકાજ કરતા અક્ષય જાધવે કહ્યું કે ‘માંડ-માંડ આટલા મહિનાઓ બાદ કામ શરૂ થયું છે. પગાર વગર દિવસો કાઢવા પડ્યા છે. એવામાં આ રીતે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જશે તો આગળ ભારે વરસાદ પડશે ત્યારે શું થશે એ ચિંતા સતાવી રહી છે.’

સામાજિક સંસ્થા મદદ માટે આગળ આવી
મુંબઈમાં ગઈ કાલે પડેલા વરસાદને ચાલતે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં, જેને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી અને જમવા-રહેવાની વ્યવસ્થા કરી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજ-કુર્લા દ્વારા કુર્લાની આસપાસ વરસાદના લીધે કોઈ અટવાય ગયું હોય તો તેમની માટે કુર્લા મહાજન વાડીમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી. એ ઉપરાંત ઘાટકોપર દેરાસર વાડીમાં પણ રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

mumbai news mumbai rains mumbai monsoon mumbai weather preeti khuman-thakur mumbai