✕

દેવીજી, આપકો મેરા પ્રણામ હૈ

28 September, 2026 08:10 AM IST  |  Mumbai | Varsha Chitaliya

એવરેસ્ટ સર કરી આવેલી સાનિકા શાહના સાહસ સામે ખુદ અમિતાભ બચ્ચન સીટ પરથી ઊભા થઈ ગયા. કૌન બનેગા કરોડપતિમાં હૉટ સીટ સુધી પહોંચેલી આ મુલુંડ ગર્લે જીતેલી પાંચ લાખની ધનરાશિ જાંબાઝ શેરપાઓના પરિવારોને દાન કરવાની જાહેરાત કરી

અ‌મિતાભ બચ્ચન સાથે હૉટ સીટ પર સા‌નિકા શાહ.

એવરેસ્ટના ૮૮૪૮ મીટર ઊંચા શિખર પર ઊભા રહેતી વખતે ધબકારા વધી ગયા હતા એવા જ ધબકારા અમિતાભ બચ્ચને મારું નામ લઈને હૉટ સીટ તરફ ઇશારો કર્યો ત્યારે અનુભવાયા. 
આ એક્સક્લુઝિવ કન્ફેશન છે મુલુંડની ૨૩ વર્ષની પર્વતારોહક સાનિકા શાહનું, જે તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના ખાસ ‘ચૅલેન્જર વીક’માં હૉટ સીટ સુધી પહોંચી હતી. પર્વતોના કઠિન પડકારો ઝીલ્યા બાદ જ્ઞાનના આ મંચ પર અદ્ભુત રમત રમીને સાનિકા પાંચ લાખ રૂપિયા જીતી હતી જે તેણે શેરપાઓના પરિવારોને આપવાની જાહેરાત કરી છે. 
નર્વસનેસ હતી

મે મહિનામાં એવરેસ્ટ બેઝ-કૅમ્પ પર ભરતનાટ્યમ કરીને અને ત્યાર બાદ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર તિરંગો લહેરાવીને દેશનું નામ રોશન કરનારી સાનિકાએ ‘મિડ-ડે’ સાથેની ખાસ વાતચીતમાં બિગ બી સાથેની મેમરેબલ મોમેન્ટ્સ શૅર કરી. સાનિકાએ જણાવ્યું હતું કે ‘માઇનસ ડિગ્રીમાં પહાડ પર ડાન્સ કરવો અને બિગ બી સામે હૉટ સીટ પર બેસવું બન્નેમાં હિંમત સરખી જ જોઈએ. સામે સદીના મહાનાયક હોય તો હાથ-પગ ધ્રૂજે જ. KBCની રજિસ્ટ્રેશન પ્રોસેસ બાદ પર્સનલ ઇન્ટરવ્યુ આપીને હું સિલેક્ટ થઈ હતી. મૅનેજમેન્ટ ટીમે મારો ઇન્ટ્રોડક્શન વિડિયો પણ લીધો હતો. ચૅલેન્જર વીક નિયમિત એપિસોડ કરતાં અલગ હોય છે. એમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી ઝડપી જવાબ આપનારા બે સ્પર્ધકો વચ્ચે ‘ચૅલેન્જ ફેસઑફ’ થાય છે. માત્ર જવાબ આવડે એટલે પહોંચી જાઓ એવું નથી, બઝર દબાવીને ક્વિક જવાબ આપવો મહત્ત્વનો છે. બે વાર ફેસઑફ કર્યા પછી હૉટ સીટ પર બેસવાની તક મળી. નર્વસનેસ અને ભારે સ્ટ્રેસ સાથે રમતમાં આગળ વધી. સવાલો અઘરા થતા ગયા એમ લાઇફલાઇન પણ લીધી. છેલ્લે પાંચ લાખ રૂપિયા જીતી.’
 

બિગ બી ઊભા થઈ ગયા
એપિસોડ દરમ્યાન સાનિકાએ એવરેસ્ટ બેઝ-કૅમ્પ પર કરેલા ભરતનાટ્યમનો રોમાંચક કિસ્સો શૅર કર્યો હતો. આ સાંભળીને બિગ બી ભારે પ્રભાવિત થયા હતા અને મારા સાહસની અને બહુમુખી પ્રતિભાની પ્રશંસા કરી હતી એ સૌથી પાવરફુલ મોમેન્ટ હતી એમ જણાવતાં સાનિકાએ કહ્યું હતું કે ‘એવરેસ્ટની સ્ટોરી સાંભળીને ખુદ અમિતાભસર પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા અને હાથ જોડીને મને કહ્યું કે દેવીજી, આપકો મેરા પ્રણામ હૈ. આ જોઈને ઑડિયન્સે પણ મને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું. એ મારા જીવનની ક્યારેય ન ભુલાય એવી ક્ષણ હતી. બિગ બીએ આશ્ચર્ય સાથે મને કહ્યું કે દેવીજી, તમે આ શું કરો છો; ઍક્ટિંગ અને ડાન્સ કરો, પર્વતો શું કામ ચડવા છે; આટલી નાની ઉંમરે આવું જોખમ કેમ ખેડો છો? નૅશનલ ટીવી પર મારી જર્ની શૅર કરવા મળી અને બિગ બીએ અપ્રિશિએટ કરી એ બેસ્ટ પાર્ટ હતો.’

અમિતાભ બચ્ચને જ્યારે પૂછ્યું કે પાંચ લાખની ધનરાશિનું શું કરશે? ત્યારે આ યંગ ગર્લના જવાબથી બિગ બી સહિત સેટ પર હાજર ઑડિયન્સ ભાવુક થઈ ગયાં હતાં. સાનિકાએ જણાવ્યું હતું કે ‘આજ સુધી મારા પપ્પાએ મને જિંદગીમાં બધું જ આપ્યું છે, તેઓ હંમેશા મારી સાથે છે. આ વર્ષે જુલાઈ મહિનાના અંતમાં પાકિસ્તાનના બ્રૉડ પીક પર્વત પર ભયાનક હિમપ્રપાતમાં વિશ્વના મહાન પર્વતારોહક નિર્મલ પુરજા સહિત ૧૦ જાંબાઝ પર્વતારોહકો અને શેરપાઓએ જીવ ગુમાવ્યો હતો. મેં પોતે પણ માઉન્ટ એવરેસ્ટ માટેની મારી સફર નિર્મલ પુરજા સાથે શરૂ કરી હતી. પર્વતો પર શેરપાઓનું જીવન હંમેશાં જોખમમાં હોય છે અને તેમના પરિવારો આ એક જ કમાણી પર નભતા હોય છે. આથી જીતેલી રકમ પહાડોના રિયલ હીરોના પરિવારોને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે.’

સેલ્ફી તો બનતા હૈ
સાનિકાએ સેટ પાછળની લાઇફ વિશે પણ જણાવ્યું હતું. આ શોનું શૂટિંગ ૧૦-૧૧ સપ્ટેમ્બરે થઈ ગયું હતું. KBCનો સેટ અત્યંત પ્રોફેશનલ છે. તમને જે ટાઇમ આપે એ જ ટાઇમે પહોંચવું પડે. ડાયરેક્ટ ટીવી રાઉન્ડ નથી આવતો. પહેલી મૉક ટેસ્ટ અને ટ્રાયલ સ્ક્રીન-ટેસ્ટ થાય છે. બ્રેકમાં પણ ટેક્નિકલ પ્રૉબ્લેમ ન આવે એનું કડક ધ્યાન રખાય છે. કમ્પૅનિયન તરીકે તે પપ્પાને લઈ ગઈ હતી. સાનિકાએ કહ્યું હતું કે ‘હૉટ સીટ પર બિગ બીની બાજુમાં ઊભા રહીને શોના ખાસ ‘AI નોવા ફોન’થી સેલ્ફી લેવા મળ્યો એ મજેદાર મોમેન્ટ હતી. શોના અંતે પપ્પા અને બિગ બીનો સાથે ફોટો ક્લિક થયો એ યાદ રહેશે.’

mumbai news mumbai kaun banega crorepati amitabh bachchan gujaratis of mumbai gujarati community news