આગે નહીં પણ આગથી બચવાના પ્રયાસે જીવ લીધો

29 January, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડમાં એક બિલ્ડિંગના મીટર-બૉક્સમાં લાગેલી આગથી ગભરાઈને પાઇપ પકડીને નીચે ઊતરવાની કોશિશ કરતી એક વ્યક્તિ નીચે પટકાઈ

સાંઈધામ લોહેલા બિલ્ડિંગમાં સળગી ગયેલું મીટર-બૉક્સ

મુલુંડ-વેસ્ટના નાહૂર ગાવસ્થિત સાંઈધામ વિસ્તારના સાંઈધામ લોહેલા બિલ્ડિંગમાં ગઈ કાલે વહેલી સવારે સાડાછ વાગ્યે A વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર-બૉક્સમાં અચાનક આગ લાગી હતી.

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગતાંની સાથે જ બિલ્ડિંગમાં ભારે ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે સમગ્ર સોસાયટીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઉપર તરફ ફેલાઈ રહી છે એવી આશંકાથી સોસાયટીમાં રહેતા મોટા ભાગના રહેવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ તરફ દોડી ગયા હતા. આ ગભરાટભરી પરિસ્થિતિમાં A વિંગના સાતમા માળે રહેતા રામલાલ યાદવ પણ ટેરેસ પર પહોંચ્યા હતા. A, B અને C વિંગની કૉમન ટેરેસનો ઉપયોગ કરીને તેઓ B વિંગની ટેરેસ પર ગયા હતા, કારણ કે ત્યાંથી નીચે ઊતરવાનો રસ્તો મળશે એવી તેમને આશા હતી. જોકે B વિંગની ટેરેસમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો બહારથી બંધ હતો. નીચે ઊતરવા માટેનો માર્ગ બંધ હોવાનું જણાતાં જ તેઓ વધુ ગભરાઈ ગયા હતા. આસપાસ ધુમાડો વધી રહ્યો હોવાથી ડરથી તેમણે ત્યાંથી કોઈ પણ રીતે નીચે ઊતરવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો હતો. આ પરિસ્થિતિમાં રામલાલ યાદવે અત્યંત જોખમી પગલું લીધું હતું. તેમણે સાતમા માળેથી નીચે ઊતરવા માટે બિલ્ડિંગની બહાર લગાડવામાં આવેલી પાણીની પાઇપનો સહારો લીધો હતો, પરંતુ ઊતરતી વખતે અચાનક તેમનો હાથ છટકી જતાં તેઓ સાતમા માળેથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું.’

mulund fire incident mumbai fire brigade mumbai police mumbai mumbai news