17 November, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ અને દિલ્હીમાંથી જપ્ત કરાયેલાં નાર્કોટિક્સનું પ્રી-ટ્રાયલ ડ્રગ ડિસ્પોઝલ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ ઝોનલ યુનિટે ૧૮૩૫ કિલો મેફેડ્રોન અને ૩૪૧ કિલો અન્ય નિયંત્રિત પદાર્થો સહિત નાર્કોટિક્સના મોટા જથ્થાનો નાશ કર્યો છે. તાજેતરનાં વર્ષોમાં હાથ ધરવામાં આવેલું આ સૌથી મોટું પ્રી-ટ્રાયલ ડ્રગ ડિસ્પોઝલ ઑપરેશન છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાડવામાં આવેલા દરોડા દરમ્યાન આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૅકેટમાં સંડોવાયેલા એક વિદેશી નાગરિક સહિત ૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્ટરનૅશનલ કનેક્શન ધરાવતા વ્યાપક ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો સિન્થેટિક નાર્કોટિક્સના મૅન્યુફૅક્ચરિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને ફન્ડિંગ માટે જવાબદાર ટ્રાફિકિંગ જૂથો સાથે જોડાયેલા હતા. આ સિન્ડિકેટ ભારતનાં રાજ્યોમાં અને દેશની બૉર્ડર બહાર કાર્યરત છે.
જપ્ત કરાયેલાં નાર્કોટિક્સના નિકાલ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર એક હાઈ લેવલ ડ્રગ ડિસ્પોઝલ કમિટી (HLDDC)ની રચના કરવામાં આવી હતી. સમિતિએ જપ્ત કરાયેલાં નાર્કોટિક્સને પ્રી-ટ્રાયલ ડિસ્ટ્રક્શન માટે મંજૂરી આપી હતી. ત્યાર બાદ ૧૪ નવેમ્બરે પુણે જિલ્લાના રાંજણગાંવમાં પૅનલની હાજરીમાં ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યાં હતાં.