Mumbai News: ચમત્કાર! હિપ સર્જરી થઇ ને એ જ દિવસે ચાલવા લાગ્યાં ૮૫ વર્ષનાં આ મહિલા

17 November, 2025 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai News: આ મહિલા સર્જરીના થોડા કલાકો પછી તો ચાલવા લાગ્યા હતાં. તેમણે ડગલું ભરીને સૌને ચોંકાવી દીધા. પાંચ દિવસની અંદર જ ઘરે જતા રહ્યાં હતાં. સર્જન ડૉ. અમીન રાજાણીએ આ મહિલાનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું

85 વર્ષીય દાદી અને સાથે ડૉ. અમીન રાજાણી

મુંબઈ (Mumbai News)માંથી ૮૫ વર્ષીય મહિલાનો કિસ્સો અચંબિત કરી દે તેવો છે. ઝોરિડા બસરઈ નામનાં મહિલા ઘરે લપસી ગયાં હતાં અને પછી તેઓને હિપ ફ્રેક્ચર થયું હતું. તેઓને તાબડતોબ જ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ત્યાં તેઓની ખૂબ જ મુશ્કેલ કહેવાતી એવી હિપ સર્જરી કરવામાં આવી હતી. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ મહિલા સર્જરીના થોડા કલાકો પછી તો ચાલવા લાગ્યા હતાં. તેમણે ડગલું ભરીને સૌને ચોંકાવી દીધા. આ જ કારણોસર તેઓએ આઇસીયુમાં જવાનું ટાળ્યું અને પાંચ દિવસની અંદર જ ઘર જતા રહ્યાં હતાં. સૌને નવાઈ તો એટલે લાગી કે ૮૫ વર્ષની ઉંમરે આ મહિલાએ હિપ સર્જરી પછી ડગલાં ભર્યા હતા, જે આ ઉંમરે ઘણું અઘરું કહેવાય!

મુંબઈ (Mumbai News)ની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આર્થ્રોસ્કોપી અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. અમીન રાજાણીએ આ મહિલાનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આ કેસ અંગે કહ્યું કે, "દર્દીને હિપ ફ્રેક્ચર થયું હતું, લપસી ગયા પછી તેમના હિપ જોઇન્ટનું મેઈન હાડકું તૂટી ગયું હતું. વૃદ્ધ દર્દીઓમાં આ સામાન્ય છે કારણ કે ઉંમર સાથે હાડકાં નબળા પડે છે. અને જો સારવાર ન કરવામાં આવી હોત, તો તે પથારીવશ પણ થઇ ગયાં હોત. અને આગળ જતાં ન્યુમોનિયા, લોહી ગંઠાવું વગેરે સમસ્યા પણ થઇ શકત. પડી ગયા પછી આ મહિલા અતિશય પીડાને કારણે પોતાના પગ પર ઊભા રહેવા, ચાલવા અથવા વજન સહન કરી શકતા નહોતા. આમ ઓપરેશન આદર્શ રીતે 24-48 કલાકની અંદર જ પૂરું થવું જોઈએ, કેમકે આ ઓપરેશન હિપ હેમીઆર્થ્રોપ્લાસ્ટીનું હતું. જેનો અર્થ છે કે ડોક્ટર્સ હિપના તૂટેલા ભાગને કૃત્રિમ સાથે બદલે છે. આ જ બાબત આ કેસમાં જોવા જેવી છે કે આ ઓપરેશન કર્યા બાદ દર્દીને આઇસીયુમાં રહેવાની જરૂર નહોતી, અને વય ૮૫ની હોવા છતાં તે ઓપરેશન પછી સાંજે વૉકર લઈને ઊભા રહેવામાં અને ચાલવા માટે સક્ષમ હતાં. વળી, પાંચ દિવસની અંદર તો ઘરે પણ મોકલી દેવામાં આવ્યા હતા."

જોકે ડોક્ટર્સ કહે છે કે દર્દીને તેમના સ્નાયુઓના સંતુલનને હજી મજબૂત કરવા થોડા અઠવાડિયા માટે ફિઝિયોથેરાપી અને હળવી કસરતોની જરૂર પડશે. ખાસ તેમણે પાછા પડી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. પોષણયુક્ત ખોરાક લેવાનો છે અને હાડકા મજબૂત કરવાની દવાઓ ચાલુ રાખવાની જરૂર છે.

Mumbai News: ડૉ. અમીન રાજાણીએ કહ્યું કે, "વૃદ્ધ દર્દીઓનું ઓપરેશન વખતે નબળા હાડકાં, નાજુક સ્વાસ્થ્ય અને એનેસ્થેસિયાને કારણે અઘરું થઇ જતું હોય છે. આ કેસ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે અદ્યતન સર્જિકલ તકનીકો અને સહિયારી પોસ્ટ-ઓપરેટિવ સંભાળ લેવામાં આવે તો ૮૫ વર્ષની ઉંમરે પણ પરિણામો ઉત્તમ આવી શકે છે. જેમાં દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય છે, લાંબા સમય સુધી આઇસીયુ અથવા હોસ્પિટલમાં રહેવું પડતું નથી અને જલ્દી ઘેર જઈ શકે છે"

દર્દી પોતે કહે છે કે, "મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલી જલ્દી રીકવર થઇ શકીશ અને ચાલવા લાગીશ. ડોકટરો અને નર્સોએ મને ચાલવા માટે આત્મવિશ્વાસ અને શક્તિ આપી, મારી કૅર બદલ હું તેમની આભારી છું. મારી ઉંમરે આ કોઈ ચમત્કારથી ઓછું નથી"

વૃદ્ધોમાં હિપ ફ્રેક્ચર સામાન્ય છે. વિશ્વભરમાં દર વર્ષે 65 વર્ષથી વધુ ઉંમરના લાખો લોકો આ ઈજાથી પીડાય છે. વળી તે વૃદ્ધ દર્દીઓમાં અપંગતા અને મૃત્યુદરના કારણમાંથી પણ એક છે. વૈશ્વિક સ્તરે વૃદ્ધોમાં હિપ ફ્રેક્ચર એક વર્ષનો મૃત્યુદર 20થી 30 ટકા જેટલો ઊંચો ધરાવે છે. ઘણા દર્દીઓ તો હમેશા માટે પરાવલંબી બની જાય છે. 

આ કેસ (Mumbai News)માં દર્દીની સર્જરી માટે ડૉ. અમીન રાજાણીને ડૉ. વિશાલ કુલકર્ણી, ડૉ. દેવાંશુ દેસાઈ અને ડૉ. અમીતા સિપ્પીની એનેસ્થેટિસ્ટ ટીમ અને ફિઝિશિયન ડૉ. ગૌરવ ગુપ્તા સાથે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓટી સ્ટાફ અને નર્સોની મદદ મળી હતી.

mumbai news mumbai breach candy hospital healthy living health tips