21 February, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai News: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઈ દ્વારા પશ્ચિમ રેલવેના પાંચ વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. તે લોકો પર પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો પાસેથી લાંચ લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ અધિકારીઓએ ઉમેદવારોને તેમની પસંદગીનું પરિણામો આપવામાં આવશે એવું વચન આપીને કથિત રીતે પૈસા ઉઘરાવ્યા હતા. હવે આ મામલે સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે ગુજરાતના વડોદરા સહિત વિવિધ 11 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા વખતે 650 ગ્રામ વજનની સોનાની બાર, લગભગ 5 લાખ રોકડ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને કેટલાંક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
લાંચ લેનાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર પશ્ચિમ રેલવેની (Mumbai News) મર્યાદિત વિભાગીય પરીક્ષામાં ઉમેદવારો પાસેથી લાંચ લેવાના આરોપસર સીબીઆઈએ વડોદરા, પશ્ચિમ રેલવે (ડબલ્યુઆર)ના ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસમાં બે આઈઆરપીએસ (ભારતીય રેલવે કર્મચારી સેવા)ના અધિકારીઓ તેમજ આ લોકો સાથે સંકળાયેલા લાંચ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મુદ્દે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કેટલાંક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મંગળવારે ડિવિઝનલ પર્સનલ ઓફિસર, ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર અને રેલવેના ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ સાથે જ અન્ય ખાનગી વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ લોકોની સામે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ અધિકારીઓએ કેટલાંક ખાનગી વ્યક્તિઓ સાથે મળીને કાવતરું કર્યું હતું. અને રેલવેની વિભાગીય પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા.
એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પશ્ચિમ રેલવેના આરોપી (Mumbai News) અધિકારીઓએ પરીક્ષામાં પસંદગી થવા માટે લાંચ આપવા તૈયાર હોય તેવા ઓછામાં ઓછા 10 ઉમેદવારોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ પશ્ચિમ રેલવેના આરોપી ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજરે વડોદરાના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ અને ખાનગી વ્યક્તિનો સંપર્ક કરીને આવા ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી પૈસા લીધા હતા.
સીબીઆઈ દ્વારા જે જે લોકોની સામે આરોપ મૂકીને કેસ દાખલ કર્યો છે તેમાં વર્ષ 2018ની બેચના ભારતીય રેલવે કર્મચારી સેવા (આઈઆરપીએસ) અધિકારીઓ સામેલ થાય છે, તેમની સાથે ત્રણ વરિષ્ઠ રેલવે અધિકારીઓ સામે પણ કેસ (Mumbai News) દાખલ કર્યો છે. ઉમેદવારોને પરીક્ષામાં તેમની પસંદનું પરિણામ અપાવવા બદલ આશરે 4-5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
એક ખાનગી વ્યક્તિની સંડોવણી પણ આવી સામે
આ ઉપરાંત એક ખાનગી વ્યક્તિ અને અન્ય રેલવે (Mumbai News) અધિકારીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. એવા પણ અહેવાલ છે કે એફઆઈઆરમાં સીબીઆઈએ ડિવિઝનલ પર્સનલ ઓફિસર અંકુશ વાસન (આઈઆરપીએસ)નું નામ લીધું છે, જેઓ હાલમાં પશ્ચિમ રેલવે (વડોદરા)ના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર સંજય કુમાર તિવારી સાથે કાર્યરત છે, જેઓ હાલમાં ચર્ચગેટમાં કાર્યરત છે. તેમની સાથે જ મુકેશ મીના નામના એક ખાનગી વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે.
આમ, ધરપકડ કરાયેલા આરોપીઓની વાત કરવામાં આવે તો સુનિલ બિશ્નોઈ (સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર (આઈઆરપીએસ 2008 બેચ) વડોદરા ડિવિઝન, પશ્ચિમ રેલવે, વડોદરા), અંકુશ વાસન (ડિવિઝનલ પર્સનલ ઓફિસર (આઈઆરપીએસ 2018 બેચ) પશ્ચિમ રેલવે, વડોદરા), સંજય કુમાર તિવારી (ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર, ચર્ચ ગેટ, પશ્ચિમ રેલવે, મુંબઈ), નીરજ સિન્હા (ડેપ્યુટી સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ), દિનેશ કુમાર, (નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, સાબરમતી, અમદાવાદ) અને મુકેશ મીનાનાં નામ સામે આવ્યા છે.