પાણી પહેલાં જ પાળ, દુર્ઘટના ન થાય એ માટે ડિજિટલ હોર્ડિંગ્સની તપાસ

22 August, 2026 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ જગ્યાએ લાગેલાં ડિજિટલ હોર્ડિંગ્સના ડૉક્યુમેન્ટ્સ ચકાસવાનો આદેશ

BMC અને MSRDCના અધિકારીઓ સાથે બેઠક દરમ્યાન મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અણ્ણા બનસોડે.

બૅનર-હોર્ડિંગ તૂટી પડતાં દુર્ઘટના બની હોવાના મામલા મુંબઈમાં અવારનવાર બને છે ત્યારે હવે શહેરમાં મૂકવામાં આવેલાં મસમોટા ડિજિટલ હોર્ડિંગ્સ પર પ્રશાસનનું ધ્યાન ગયું છે. ડિજિટલ હોર્ડિંગ્સને કારણે કોઈ દુર્ઘટના ન બને એ માટે એના માટે આપવામાં આવેલી મંજૂરી, ટેન્ડર ડૉક્યુમેન્ટ્સ તથા ટ્રાફિકના નિયમો મુજબ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે કે નહીં અને એનાથી કોઈ જોખમ છે કે નહીં એ બધી જ બાબતોની ચકાસણી કરવામાં આવશે. 
આ બાબતે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અણ્ણા બનસોડેની અધ્યક્ષતા હેઠળ વિધાનભવનમાં આ મુદ્દે બેઠક યોજવામાં આવી હતી જેમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) સહિત અન્ય સંબંધિત એજન્સીઓના અધિકારીઓ હાજર હતા. ડિજિટલ હોર્ડિંગ્સને કારણે કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે કે નહીં એની તપાસ કરવાનો નિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યો હતો. 
બાંદરામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટીચર્સ કૉલોની, MSRDC ફુટ ઓવર બ્રિજ સહિત કુલ ૭ જગ્યાએ લગાવવામાં આવેલાં ડિજિટલ હોર્ડિંગ્સને આપવામાં આવેલી પરવાનગીઓ, ટેન્ડર ડૉક્યુમેન્ટ્સ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરીને ૭ દિવસમાં ફરીથી બેઠક યોજવાનો નિર્દેશ અણ્ણા બનસોડેએ આપ્યો હતો.

ધ્યાન હોર્ડિંગ પર જાય અને અકસ્માત થાય તો?
આ બેઠક દરમ્યાન વાહન ચલાવનારાનું ધ્યાન ડિજિટલ હોર્ડિંગ પર હોય અને એને કારણે અકસ્માત થાય એવી શક્યતા હોવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. MSRDC ટ્રાફિક-પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મુદ્દે ચર્ચા કરે એવી સૂચના બેઠક દરમ્યાન આપવામાં આવી હતી.

mumbai news mumbai maharashtra state road transport corporation brihanmumbai municipal corporation