AC લોકલમાં મફતમાં પ્રવાસ કરવા લોકો કરી રહ્યા છે ડિજિટલ ફ્રૉડ

13 November, 2025 07:21 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

UTS ઍપની સ્ક્રીન સાથે ચેડાં કરવા ઉપરાંત બનાવટી QR કોડ ક્રીએટ કરીને નકલી મોબાઇલ ટિકિટ બનાવી રહ્યા છે બદમાશ પ્રવાસીઓ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં વૅલિડ ટિકિટ વગર પ્રવાસ કરતા ખુદાબક્ષ મુસાફરો તો પકડાય જ છે, પણ હવે વગર ટિકિટે પ્રવાસ કરવા માગતા પૅસેન્જરો ખાસ કરીને AC લોકલમાં  ડિજિટલ-ફ્રૉડ કરીને ટિકિટ-પાસના પૈસા ગુપચાવતા હોવાનું જણાઈ આવ્યું છે. આ છેતરપિંડી માટે સ્ક્રીન-શૉટનું એડિ​ટિંગ કરવામાં આવે છે અને બનાવટી QR કોડનો ઉપયોગ થાય છે.

જુલાઈ ૨૦૨૩માં એવા કેસ પકડાયા હતા જેમાં પૅસેન્જર્સ સીઝન પાસમાં ફેરફાર કરવા માટે એડિટિંગ ઍપનો ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. હવે એનો ઉપયોગ બનાવટી મન્થ્લી પાસ, બનાવટી ID અને બનાવટી રેલવે-પાસ (કર્મચારીને મળતો પાસ) બનાવવા કરાઈ રહ્યો છે. એમાં હવે છેલ્લો ઉમેરો UTS ટિ​િકટ (ઍપ પરથી કઢાવવામાં આવતી પેપરલેસ અનરિઝર્વ્ડ ટિકિટ)નો વધારો થયો છે.

રેલવેના ટિકિટચેકરોએ ઑક્ટોબર અને નવેમ્બરમાં જ્યારે પૅસેન્જરોની ઑનલાઇન ટિકિટ તેમના ડિજિટલ ડિવાઇસ સાથે મૅચ કરીને ચેક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘણા પૅસેન્જર્સ પાસે આ રીતની ફેક ટિકિટ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ટિકિટ દેખાવમાં ઓરિજિનલ જેવી જ લાગતી હતી. 

લેટેસ્ટ બનાવમાં ટિકિટચેકરે મંગળવારે AC વિરાર લોકલમાં એક પૅસેન્જરને આ જ રીતની ફેક ટિકિટ સાથે પકડ્યો હતો. નાયગાંવ સ્ટેશન પાસે પૅસેન્જરે ટિકિટચેકર સાંઈપ્રસાદ વિજય સાવંતને મોબાઇલમાં ઍપથી કઢાવેલી ટિકિટ બતાવી હતી. એ વખતે સાંઈપ્રસાદે તેની પાસેની સિસ્ટમમાં નોંધ્યું હતું કે QR કોડ મૅચ નથી થતો અને ટિકિટનંબર પણ અલગ દર્શાવે છે. એથી એ ટિકિટ સિસ્ટમમાં એક્ઝિસ્ટ જ નહોતી. એથી એ ટિકિટ ફેક-બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. પૅસેન્જરે ટિકિટનો સ્ક્રીન-શૉટ એડિટ કરેલો હતો એ જણાઈ આવ્યું હતું એટલે તેને વૅલિડ ટિકિટ વગર પ્રવાસ કરવા બદલ ઝડપી લેવાયો હતો અને તેની સામે વસઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

રેલવેના એક ઑફિસરે કહ્યું હતું કે ડિજિટલ ટિકિટમાં બનાવટ કરીને છેતરપિંડી કરવા લોકો મોબાઇલ ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને આ પ્રકારના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે.     

mumbai news mumbai AC Local mumbai local train mumbai travel mumbai transport mumbai police indian railways