ફોન ગુમ થયા પછી ફિયૉન્સી સાથેના પર્સનલ ફોટો વાઇરલ થઈ ગયા

25 August, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુવતીને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો દેખાતાં મામલો બહાર આવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટૉપ હિલ વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) યુવક અને જે છોકરી સાથે તેનાં લગ્ન નક્કી થયાં હતાં એ ફિયૉન્સી સાથેના પ્રાઇવેટ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં બન્ને પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મામલે ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે યુવકે ફરિયાદ નોંધાવી હતી.

ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ ઑગસ્ટે સાંજે યુવક કિડવાઈ માર્ગ પરથી સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે તેનો મોબાઇલ રસ્તામાં પડી ગયો હતો. પછી મોબાઇલ શોધતાં એ મળ્યો નહોતો. અંતે તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. દરમ્યાન રવિવારે યુવકની ફિયૉન્સી ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહી હતી ત્યારે તેણે પોતાનો અને યુવકનો વિડિયો જોયો હતો. વિડિયો જે એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો એ અકાઉન્ટ નવું તૈયાર કરવામાં આવ્યું હતું. અંતે યુવતીએ યુવકને જાણ કરતાં તેણે અમારી પાસે આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ કરવામાં આવતાં અજાણ્યા માણસે મોબાઇલની ગૅલરી અને ગૂગલ ફોટોઝમાં જઈને યુવક અને યુવતીના અંગત ફોટો-વિડિયો મેળવી લીધા હતા. આ માણસે ઇન્સ્ટાગ્રામ પર ફેક અકાઉન્ટ બનાવીને બન્નેને બદનામ કરવાના ઇરાદાથી આ વાંધાજનક વિડિયો અને તસવીરો અપલોડ કરી દીધાં હતાં. અમે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો અપલોડ કરવા માટે જે IP ઍડ્રેસ અને લિન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે એની ટેક્નિકલ મદદથી શોધખોળ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai antop hill mumbai crime news Crime News