મોટો ઑર્ડર લખાવવાનો, માલની ડિલિવરી લેવાની અને ક્લિયર ન થાય એવો ચેક આપીને નૌદોગ્યારહ થઈ જવાનું

06 June, 2026 07:38 AM IST  |  Mumbai | Samiullah Khan

ગુજરાતના ગઠિયાઓની ટોળકીને દિંડોશી પોલીસે ઝડપી લીધી, આરોપીઓ મુંબઈની જુદી-જુદી હોટેલોમાં રહેતા હતા અને કામચલાઉ ઑફિસો બનાવીને કર્મચારીઓની ભરતી પણ કરતા હતા

દિંડોશી પોલીસે પકડેલા ગુજરાતના ગઠિયાઓ.

દિંડોશી પોલીસે ગુજરાતની છેતરપિંડી કરતી સિન્ડિકેટના ૪ સભ્યોની ધરપકડ કરી છે જેમણે હોલસેલ વેપારીઓ પાસેથી ખરીદી કરી હતી અને લાખો રૂપિયાના માલની ડિલિવરી લઈને ચેક આપ્યા પછી એ ક્લિયર કર્યા વગર જ ચુકવણી કર્યા વિના ગાયબ થઈ જતા હતા.

છેતરપિંડીને અંજામ આપવા માટે આ ગૅન્ગ અલગ-અલગ જગ્યાએ કમર્શિયલ જગ્યાઓ ભાડે રાખતી હતી અને વિવિધ કંપનીના નામ હેઠળ કામચલાઉ ઑફિસો બનાવીને ઑફિસની દેખરેખ માટે કર્મચારીઓની ભરતી પણ કરતી હતી. ત્યાર બાદ તેઓ હોલેસલ માર્કેટના વેપારીનો સંપર્ક કરતા હતા, માલ માટે મોટો ઑર્ડર આપતા હતા અને સપ્લાયર્સને આ ભાડાની ઑફિસોમાં માલ પહોંચાડવા કહેતા હતા.

શરૂઆતમાં આરોપીઓ વેપારીઓને ખાતરી આપતા હતા કે ડિલિવરી સમયે પેમેન્ટ રોકડામાં અથવા ઑનલાઇન ટ્રાન્સફર દ્વારા કરવામાં આવશે. જોકે એક વાર માલ આવી જાય પછી તેઓ ચેક આપતા હતા. સપ્લાયર્સને ખબર પડે કે ચેક બાઉન્સ થઈ ગયો છે ત્યાં સુધીમાં ગૅન્ગ જગ્યા ખાલી કરી માલ લઈને ગાયબ થઈ જતી હતી.

પોલીસે આ કેસમાં ગુજરાતના મેહુલ જગાણી, ગોપાલ રાયચુરા અને નીરવ લાખાણીની જ્યારે માલવણીના એહસાન ખાનની ધરપકડ કરી છે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલ જગાણી આ ગૅન્ગનો કથિત માસ્ટરમાઇન્ડ છે અને મુંબઈ અને ગુજરાત બન્નેમાં તેની સામે છેતરપિંડીના અનેક કેસ નોંધાયા છે.

પોલીસે ખુલાસો કર્યો હતો કે ૪ આરોપીઓમાંથી ૩ ગુજરાતના રહેવાસી છે. આ ગૅન્ગ ખૂબ જ સંગઠિત રીતે કાર્યરત હતી અને મુંબઈની હોટેલોમાં રહેતી હતી, જ્યારે મેહુલ જગાણીએ મીરા રોડ પરમાં એક ફ્લૅટ ભાડે રાખ્યો હતો.

ગયા મહિને ૩.૨૪ લાખના કન્સાઇનમેન્ટમાં ગોટાળો કર્યો હતો
ગયા મહિને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે ગૅન્ગે કથિત રીતે મસ્જિદ બંદરમાં એક જથ્થાબંધ ગિફ્ટ-આર્ટિકલ્સના સપ્લાયરને નિશાન બનાવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ તેમની અરિહંત એન્ટરપ્રાઇઝ નામની કંપની હોવાનો દાવો કરીને લક્ષ્મી ઍન્ડ સન્સ નામની દુકાનની મુલાકાત લીધી અને ૨૫૦૦ સ્ટેનલેસ સ્ટીલ પાણીની બૉટલોનો ઑર્ડર આપ્યો હતો. કન્સાઇનમેન્ટની કુલ કિંમત ૩.૨૪ લાખ રૂપિયા હતી. આરોપીએ સપ્લાયરને માલ અજંતા શોપિંગ સેન્ટર, દફ્તરી રોડ, મલાડ-ઈસ્ટ ખાતેની ઑફિસમાં પહોંચાડવા સૂચના આપી હતા. જ્યારે ડિલિવરી આવી ત્યારે બે માણસોએ માલ રિસીવ કર્યો અને અરિહંત એન્ટરપ્રાઇઝના બંધન બૅન્ક-ખાતાનો ચેક ઇશ્યુ કર્યો હતો. સપ્લાયરને પાછળથી ખબર પડી કે ખાતામાં પૂરતા પૈસા નથી. તેણે જ્યારે તેમની મલાડની ઑફિસે જઈને પેમેન્ટની માગણી કરી ત્યારે ખબર પડી કે જગ્યા ખાલી થઈ ગઈ હતી અને આરોપીઓ માલ સાથે ગાયબ થઈ ગયા હતા.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news dindoshi