પરિવારને કાશ્મીર લઈ જઈને ડ્રગ્સની તસ્કરી કરતો રીઢો ડ્રગ પેડલર પકડાયો

27 October, 2021 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની કારના અને ડિકીના દરવાજાના પોલાણમાંથી ૧૪.૪૪ કરોડ રૂપિયાનું હાઈ ક્વૉલિટીનું ચરસ છુપાવેલું મળી આવ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૬ ચેમ્બુર અને યુનિટ ૭ ઘાટકોપરને માહિતી મળી હતી કે બહારગામથી ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ આવવાનું છે. એથી પોલીસે દહિસર ચેકનાકા પાસે વૉચ ગોઠવી હતી.. સોમવારે સવારે ૧૦.૧૦ વાગ્યે સૅન્ટ્રો કાર રોકીને તલાશી લેવામાં આવી હતી. એ કારમાં ૫૨ વર્ષનો બંડુ દગડુ ઉડાનશિવે, તેની બાવન વર્ષની પત્ની ક્લેરા, ૨૩ વર્ષની દીકરી સિન્થિયા અને ૨૪ વર્ષનો જસ્સર જહાંગીર શેખ હતાં. તે તમામને ઝડપી લેવાયાં હતાં.

કારની તલાશી લેતાં એના દરવાજાના અને ડિકીના દરવાજાના પોલાણમાં ૧૪.૪૪ કરોડ રૂપિયાનું હાઈ ક્વૉલિટીનું ચરસ છુપાવેલું મળી આવ્યું હતું. આ કેસ વિશે વધુ માહિતી આપતાં ડીસીપી ડિટેક્શન દત્તા નલાવડેએ કહ્યું હતું કે ‘બંડુ ઉડાનશિવે પત્ની સાથે પવઈમાં રહે છે. પોલીસની નજરથી છટકવા તે પરિવાર સાથે કાશ્મીર ફરવા જતો અને ત્યાંથી ડ્રગ લાવીને વેચતો હતો. પત્ની અને દીકરી સાથે હોવાથી સામાન્યપણે કોઈ તેના પર શંકા કરતું નહીં. એ લોકો અહીંથી નીકળ્યા બાદ તેમના મોબાઇલ ફોન સ્વિચ્ડ-ઑફ કરી દેતા હતા જેથી તેમના લોકેશનની કોઈને જાણ થાય નહીં. બંડુ આ પહેલાં ૨૦૧૦માં પણ ડ્રગના કેસમાં પકડાયો હતો. એ વખતે તેની પાસેથી ૩૯ કિલો ચરસ મળી આવ્યું હતું. એ કેસમાં ઓછામાં ઓછા ૬ જણની ધરપકડ થઈ હતી. એમાં કેટલાક લોકો કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પણ હતા.’

mumbai mumbai news Crime News mumbai crime news