Porn Film case:રાજ કુન્દ્રા માટે એપ બનાવનાર કંપનીના ડિરેક્ટરની મુંબઈ પોલીસે કરી પૂછપરછ

05 August, 2021 03:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે બુધવારે બિઝનેસમેન રાજ કુન્દ્રા માટે એક એપ વિકસાવનાર કંપનીના ડિરેક્ટરની પૂછપરછ કરી હતી, જેની અશ્લીલ વીડિયો બનાવવા અને વિતરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુન્દ્રા

મુંબઈ પોલીસે બુધવારે બિઝનેસમેન રાજ કુન્દ્રા માટે એક એપ વિકસાવનાર કંપનીના ડિરેક્ટરની પૂછપરછ કરી હતી, જેની અશ્લીલ વીડિયો બનાવવા અને વિતરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર સૌરભ કુશવાહા બપોરે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ સમક્ષ હાજર થયા હતા. 

બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ કુંદ્રા પર હોટશોટ એપના માધ્યમથી અશ્લીલ સામગ્રી પબ્લિશ કરવાનો આક્ષેપ છે,  જે આર્મ્સપ્રાઈમ દ્વારા કથિત રીતે વિકસાવવામાં આવી છે. કુન્દ્રા અને કંપનીના આઈટી હેડ રાયન થોર્પેની ગયા મહિને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસનો આરોપ છે કે  કુંદ્રાએ જ ફેબ્રુઆરી 2019 માં આર્મ્સપ્રાઈમ મીડિયાની સ્થાપના કરી હતી. કુંદ્રાએ પોલીસને કથિત રીતે જણાવ્યું હતું કે આ એપ લંડન સ્થિત કંપની કેનરીન લિમિટેડને વેચી દેવામાં આવી હતી. આ કંપનીના માલિક પ્રદીપ બક્ષી છે, જે કુંદ્રાના સંબંધી છે.

નોંધનીય છે કે મેજિસ્ટ્રેટની અદાલતે તાજેતરમાં જ કહ્યું હતું કે ગત મહિને જે ગુનામાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા અને સહયોગી રાયન થોર્પેની ધરપકડ કરવામાં આવી હતી તે સમાજના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સમાજના હિતમાં આવા કેસોની અવગણના ન કરી શકાય. 28 જુલાઇએ અશ્લીલ વીડિયો બનાવવા અને એપ મારફતે પ્રસારિત કરવાના કેસમાં દાખલ કરેલી જામીન અરજીઓ ફગાવી દેતા કોર્ટે કહ્યું કે પોલીસે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું છે. રાજ કુંદ્રા અને થોર્પેની 19 જુલાઈએ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. આરોપીઓએ તેમની ધરપકડને બોમ્બે હાઈકોર્ટમાં પણ પડકારી છે, જેના પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પરંતુ, મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું કે તપાસ અધિકારીએ ધરપકડનું કારણ પહેલેથી જ આપી દીધું હતું, જે જરૂરી હતું.

ન્યાયાધીશે કહ્યું કે, 20 જુલાઈએ રિમાન્ડની સુનાવણી દરમિયાન કોર્ટ એ નિષ્કર્ષ પર આવી હતી કે આરોપીની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી છે. તપાસ અધિકારીએ પહેલા જ કારણો આપ્યા છે. આવી સ્થિતિમાં એવું ન કહી શકાય કે આરોપી જામીન માટે હકદાર છે. તેના જવાબમાં તપાસ અધિકારીએ કહ્યું છે કે કુંદ્રાના સંબંધી અને આરોપી પ્રદીપ બક્ષી ફરાર છે. પોલીસે ઘણો ડેટા મેળવ્યો છે, જેનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. આરોપીઓએ કેટલાક ડેટા પણ ડિલીટ કરી નાખ્યા છે અને જો તેઓ જામીન પર છૂટી જાય તો વધુ પુરાવાઓનો નાશ કરી શકે છે. તો બીજી બાજુ મુંબઈની એક કોર્ટે મંગળવારે અશ્લીલ વીડિયો કેસમાં અન્ય આરોપી અભિનેત્રી ગેહના વશિષ્ઠને ધરપકડથી વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે ગેહના સામેના આરોપો ગંભીર છે. ધરપકડના ડરથી અભિનેત્રીએ એડિશનલ સેશન્સ જજ સોનાલી અગ્રવાલની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કેસની આગામી સુનાવણી 6 ઓગસ્ટે થશે.

mumbai mumbai news mumbai police raj kundra